ગણેશ પંડાલમાં રહીશોએ ‘હાય હાય’ના નારા લગાવ્યા !
વોર્ડ નં. 7ની ક્રિષ્ના રેસિડેન્સીમાં નર્કાગાર સ્થિતિ; રજૂઆત કરતા સ્વખર્ચે રસ્તા બનાવવાનો ઉદ્ધત જવાબ મળ્યો હોવાના કર્યા આક્ષેપો
- Advertisement -
ઉપલેટા શહેરમાં નગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના પોતાના વિસ્તાર ગણાતા વોર્ડ નંબર ૭ સ્થિત સાંઈબાબા મંદિર પાછળની ક્રિષ્ના રેસિડેન્સી સોસાયટીના રહીશો કાદવ-કીચડ અને ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પવિત્ર ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પંડાલ આસપાસ જ ભયંકર કાદવ ફેલાયેલો હોવાથી ભાવિકોને દર્શન અને આરતી કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
સોસાયટીના ચીકણા રસ્તાઓ પરથી પસાર થતાં શાળાએ જતાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો અવારનવાર લપસીને કાદવમાં ખાબકી રહ્યા છે તેમજ વાહનો સ્લીપ થઈ રહ્યા છે. સ્થાનિકોએ તહેવાર પૂરતી કાંકરી પાથરવાની માંગ સાથે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જોકે, શાસકોએ “સ્વખર્ચે રસ્તો બનાવી લો, મત ન આપવો હોય તો ન આપતા’ તેવો ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. આ અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા રહીશોએ ગણેશ પંડાલમાં એકઠા થઈ પાલિકા પ્રમુખ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ શાસકો કામ ન કરે તો વિપક્ષી સદસ્યોએ સ્વખર્ચે રસ્તો સમથળ કરી આપવાની તૈયારી દર્શાવી છે.




