મહાઆરતી બાદ ગણેશ અથર્વશીર્ષના પવિત્ર પાઠ યોજાયા; આજે ‘સ્ટોરી ઓફ ગોડ’ અને રક્તદાન કેમ્પનું આયોજન
શહેરની ધર્મપ્રેમી જનતાની અખંડ આસ્થા અને ભક્તિનું પ્રમુખ કેન્દ્ર બનેલા ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવ સતત અઢારમા વર્ષે પણ ધાર્મિક અને સેવાકીય માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે. ડો. યાજ્ઞિક રોડ સ્થિત જાગનાથ પોલીસ ચોકી પાસે ચાલી રહેલા આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં દરરોજ અવનવા ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમગ્ર પરિસર દિવ્ય ઊર્જાથી ઝળહળી ઊઠ્યું છે.
મહોત્સવના કાર્યક્રમોની શરૂઆત બાળકોમાં રહેલી આંતરિક સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે કરવામાં આવી હતી. સાંજે ૭:૦૦ કલાકે કલેઆર્ટ તથા ક્રિએટિવ પેઈન્ટિંગ સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું, જેમાં ૪૦થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલેઆર્ટ વિભાગમાં બાળકોએ પોતાની કલ્પનાશક્તિ થકી માટીમાંથી ગણેશજીની આકર્ષક મૂર્તિઓ કંડારી હતી, જ્યારે પેઈન્ટિંગ સ્પર્ધામાં વિવિધ આકર્ષક રંગોના માધ્યમથી વિઘ્નહર્તાના સ્વરૂપોને કાગળ પર જીવંત કર્યા હતા. ભૂદેવ સેવા સમિતિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
રાત્રે ૮:૦૦ કલાકે પરંપરાગત રીતે દુંદાળા દેવની પાવન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શાસક પક્ષના પૂર્વ દંડક મનીષભાઈ રાડીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસભાઈ ભટ્ટી, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર રક્ષિતભાઈ કલોલા, સુભાષભાઈ યાદવ, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર ચંદાબેન માનસૂરભાઈ વાળા, પૂર્વ પ્રમુખ સી.ટી. પટેલ, હરેશભાઈ જોષી સહિત સામાજિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી ગણેશજીની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. ઘંટનાદ અને બાપ્પાના ગગનભેદી જયઘોષથી સમગ્ર યાજ્ઞિક રોડ ગૂંજી ઊઠ્યો હતો.
- Advertisement -
ત્યારબાદ રાત્રે ૯:૦૦ કલાકે શાસ્ત્રોક્ત મહત્વ ધરાવતા શ્રી ગણેશ અથર્વશીર્ષના સામૂહિક પાઠ યોજાયા હતા. યુવા શાસ્ત્રી રાવલ અદાના મુખેથી થયેલા પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોટી સંખ્યામાં પરિવારોએ ઉપસ્થિત રહી દુંદાળા દેવ સમક્ષ સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. ભૂદેવ વ સેવા સમિતિના સંસ્થાપક અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે ૭:૦૦ કલાકે જીવનમૂલ્યો અને સંસ્કારને ઉજાગર કરતો વિશેષ કાર્યક્રમ ‘સ્ટોરી ઓફ ગોડ’ રજૂ કરવામાં આવશે. તદુપરાંત રાત્રે ૯:૦૦ કલાકે જરૂરિયાતમંદ દર્દીઓની સહાય અર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે, જેમાં શહેરની જનતાને ઉત્સાહભેર રક્તદાન કરવા અપીલ કરાઈ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલ ઉપાધ્યાય, વિકી ઠાકર, વિશાલ આહ્યા, દિલીપ જાની, મયુર વોરા, હર્ષ ત્રિવેદી, મોહિત વ્યાસ, જ્યોતીન્દ્ર પંડયા, અર્જુન શુક્લ, રાજ ભટ્ટ, પ્રશાંત ઓઝા, માનવ વ્યાસ, દીપક જયસ્વાલ, નિશાંત રાવલ, જય રાવલ અને જય જોષી સહિતના કાર્યકરો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.




