રાજ્યનાં 240 તાલુકામાં વરસાદઃ છેલ્લાં 24 કલાકમાં સામાન્યથી માંડીને પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં જોર વધુ
અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ, વટવા-લાંભામાં બે કલાકમાં 5 ઇંચ
- Advertisement -
ગુજરાતમાં એક-સવા મહિના બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી દોર રહ્યો છે. સિઝનના પ્રથમ સવા ત્રણ માસમાં કોરા જેવા રહેલા ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેને પગલે સુકાવા લાગેલા કૃષિપાક માટે નવી આશા બંધાઇ છે. ખેતી ઉત્પાદનનું ચિત્ર સુધરવાનો આશાવાદ ઉભો થયો છે. સાથોસાથ જળાશયોમાં પણ નવા નીરને પગલે પાણીની સ્થિતિ સુધરવાનો પણ આશાવાદ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકાઓમાં મહેર વરસાવી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારો કવર થઇ ગયા હતા. છુટાછવાયા વરસાદથી માંડીને પાંચ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વરસાદનો વર્તમાન રાઉન્ડ કૃષિક્ષેત્ર માટે જીવતદાન સમાન બની રહે તેમ છે. રાજ્યમાં છેલ્લા એક-સવા મહિનાથી સાર્વત્રિક વરસાદ નહતો. સિંચાઇની સુવિધા ન હોય તેવા ક્ષેત્રોમાં પાક સુકાવા લાગ્યો હતો. મગફળી, કપાસ, કઠોળ સહિતના પાક પર સંકટ ઉભું થયું હતું. મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી. હવે વરસાદી રાઉન્ડથી સ્થિતિ સુધરવાનો આશાવાદ છે.
હવામાન વિભાગ દ્વારા લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી ૧૭મી સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી જ છે એટલે પાકપાણી મામલે હજુ વધુ રાહત થઇ શકે છે. મહત્વની વાત એ છે કે વરસાદના વર્તમાન રાઉન્ડમાં પણ વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ પડી રહ્યો છે. લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ પર હોવાથી ગુજરાતમાં તેના બોર્ડરના ભાગોને વધુ લાભછે. અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં સવારે
૬:૦૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડયો છે. પેલા બે કલાકમાં અમદાવાદમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં વટવા અને લાંભામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
શેલામાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ. શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર એસ.જી. હાઈવે પર અંધારપાટ છવાઈ જવાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતાં લોકો અટવાયા હતા.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર ૧૨૯ ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોને ફિલ્ડમાં નીકળવા માટેની મેયરે સૂચના આપી.
રાજકોટ-સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ-એલર્ટ
આજે સવારના ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૨૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં ૫.૨૪ ઇંચ અને અમદાવાદના દોળકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત અન્ય ૧૮ તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે. હાલ સુરતમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અપાયું છે અને વીજળી પડવાની ૩૦-૬૦% શક્યતા દર્શાવાઈ છે. જ્યારે કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ અને દમણ સહિતના વિસ્તારોમાં ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.




