પોલેન્ડમાં રેલવે ક્રોસિંગ પર ભારે વાહનો અને ટ્રેનો વચ્ચે અથડામણની આ ચોથી ઘટના
મહિલા મુસાફરનું મોત, ૨૦ને ઇજા, ચારની હાલત ગંભીર
- Advertisement -
સૂર્યના તેજ પ્રકાશે સિગ્નલ ન દેખાયું હોવાનો ટ્રક ચાલકનો દાવો
મધ્ય પોલેન્ડમાં એક લેવલ ક્રોસિંગ પર ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં એક મહિલા મુસાફરનું મોત થયું હતું, જ્યારે અન્ય ૨૦ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ચાર લોકોની સ્થિતિ
ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલાઓમાં ટ્રેનના ડ્રાઈવર તેમજ કોંક્રિટ મિક્સર ટ્રકના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. બીબીસી ન્યૂઝના રીપોર્ટ મુજબ, આ દુર્ઘટના ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે
આશરે ૧૧:૨૦ વાગ્યે પોલેન્ડની રાજધાની વોર્સોથી દક્ષિણ તરફ આવેલા સોકોલનીકી સુચે ગામ નજીક સર્જાઈ હતી. લુબ્લિનથી સેઝેસિન જઈ રહેલી ઇન્ટરસિટી ટ્રેન લેવલ ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોંક્રિટ મિક્સર
ટ્રક સાથે તેની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને
નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે રેલવે માર્ગ પરની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કોંક્રિટ મિક્સર ટ્રક ચાલતી ટ્રેન સાથે અથડાઈ હતી. ડેપ્યુટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટરના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવરે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવો દાવો કર્યો હતો કે સૂર્યના
તેજ પ્રકાશને કારણે તેની આંખો અંજાઈ ગઈ હતી અને તેથી તે લેવલ ક્રોસિંગનો સિગ્નલ જોઈ શક્યો ન હતો. આ ગંભીર ઘટનાને પગલે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રેલવે ક્રોસિંગ
પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઈવરો સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે નવા નિયમો અને ભારે દંડની જોગવાઈ અમલમાં લાવવાની જાહેરાત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય છે કે પોલેન્ડમાં
તાજેતરના દિવસોમાં રેલવે ક્રોસિંગ પર ભારે વાહનો અને ટ્રેનો વચ્ચે અથડામણની આ ચોથી ઘટના હોવાનું સામે આવ્યું છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને કારણે રેલવે ક્રોસિંગ પર સુરક્ષા વ્યવસ્થા અને વાહનચાલકો દ્વારા
નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.




