સરહદના રક્ષકોને ગુજરાત સરકારની મોટી ભેટ
ફરજ બજાવતા સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને મળશે આર્થિક રાહત
- Advertisement -
ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરવામાં આવ્યો
દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા સંરક્ષણ દળોના જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર
પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો તેમજ શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી
મુક્તિ આપવાની જોગવાઈ કરી છે. પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષા મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યભરના ગ્રામ પંચાયત વિસ્તારોમાં રહેતા
સંરક્ષણ દળો સાથે જોડાયેલા લાભાર્થીઓને સીધી આર્થિક રાહત મળશે.
નવી જોગવાઈ અનુસાર, ગુજરાત રાજ્યની હદમાં આવેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક રહેણાંક મિલકતને પંચાયત કરમાંથી મુક્તિ આપવામાં
આવશે. આ લાભ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓને લાગુ પડશે. રાજ્ય સરકારના આ નિર્ણયને સૈનિક કલ્યાણની દિશામાં મહત્વપૂર્ણ પગલું
માનવામાં આવી રહ્યું છે. દેશની સરહદો અને આંતરિક સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પરિવારોને રહેણાંક મકાનના કરબોજમાંથી રાહત આપીને સરકારે તેમની રાષ્ટ્રસેવા પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની
લાગણી વ્યક્ત કરી છે.
- Advertisement -
દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોની વિધવાઓને પણ આ કરમુક્તિનો લાભ આપવાની જોગવાઈ સરકારની સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે. શહીદ પરિવારને પોતાના રહેણાંક મકાન માટે કરમુક્તિ આપીને રાજ્ય
સરકારે તેમના બલિદાનને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કરમુક્તિનો લાભ માત્ર પોતાના રહેણાંક ઉપયોગ માટેની એક જ મિલકત પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. આથી નિયમમાં કરવામાં આવેલા સુધારાનો
મુખ્ય હેતુ સૈનિકો અને તેમના પરિવારોને તેમના પોતાના ઘર માટે સીધી રાહત આપવાનો હોવાનું સ્પષ્ટ થાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વર્તમાન જવાનો, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ પરિવારોને આર્થિક
રાહત મળવાની સાથે રાજ્ય સરકાર દ્વારા સૈનિકો અને તેમના પરિવારોના સન્માન તથા કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા પણ વધુ મજબૂત બની છે.
વાંધા-સૂચનો બાદ નિયમોમાં સુધારો
આ નિર્ણય લેતા પહેલાં રાજ્ય સરકારે નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. ડિસેમ્બર 2025માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કરીને સંબંધિત વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો
મંગાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા વાંધા અને સૂચનો પર વિચારણા કર્યા બાદ સરકારે અંતિમ સુધારા નિયમો જાહેર કર્યા છે.
ગૅઝેટમાં પ્રકાશનથી અમલ
ગુજરાત પંચાયતો અધિનિયમ, 1993 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે ગુજરાત ગ્રામ અને નગરપંચાયત ટેક્સ અને ફી નિયમ, 2026 જાહેર કર્યા છે. આ સુધારા નિયમો સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત થવાની
તારીખથી અમલમાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય સૈનિક કલ્યાણની દિશામાં એક નોંધપાત્ર પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. સરહદ પર દેશની રક્ષા કરનાર જવાનો, દેશ માટે બલિદાન આપનાર શહીદોના પરિવારો
અને ભૂતપૂર્વ સૈનિકોના સન્માનમાં પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપીને રાજ્ય સરકારે “દેશની રક્ષા કરનારના પરિવારની જવાબદારી પણ અમારી” એવી ભાવનાનો મજબૂત સંદેશ આપ્યો છે.




