૧થી ૬ સપ્ટેમ્બર તહેવારો દરમિયાન ૧,૮૫૨ ઈમરજન્સી કેસ નોંધાયા, રોજ સરેરાશ ૩૦૯ કોલથી ધમધમી ૧૦૮ સેવા
ગર્ભાવસ્થા સંબંધિત સૌથી વધુ ૩૩૩ કેસ, વાહન અકસ્માત અને અન્ય ઇજાના મળી ૫૬૮ કેસમાં ૧૦૮ ઈમરજન્સી સેવા
- Advertisement -
રાજકોટમાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં છેલ્લા છ દિવસ દરમિયાન વિવિધ પ્રકારની તબીબી કટોકટીના કુલ ૧,૮૫૨ કેસ નોંધાયા છે. તા.૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા આંકડા મુજબ દરરોજ સરેરાશ ૩૦૯ જેટલા
ઈમરજન્સી કેસ સામે આવ્યા હતા. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે તબીબી કટોકટીની સ્થિતિમાં ૧૦૮ સેવા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને સતત જરૂરી બનતી જઈ રહી છે. દિવસવાર નોંધાયેલા કેસોની વાત કરવામાં
આવે તો ૧ સપ્ટેમ્બરે ૨૭૩, ૨ સપ્ટેમ્બરે ૨૮૨, ૩ સપ્ટેમ્બરે ૩૧૪, ૪ સપ્ટેમ્બરે ૩૩૧, ૫ સપ્ટેમ્બરે ૩૨૭ અને ૬ સપ્ટેમ્બરે ૩૨૫ કેસ નોંધાયા હતા. છ દિવસના આંકડામાં ૪ સપ્ટેમ્બરે સૌથી વધુ ૩૩૧ કેસ નોંધાયા હતા, જ્યારે
ત્યારબાદના બે દિવસમાં પણ કેસોની સંખ્યા ૩૨૫થી વધુ રહી હતી. કેસોના પ્રકાર પ્રમાણે જોવામાં આવે તો સૌથી વધુ ગર્ભાવસ્થા સંબંધિત ૩૩૩ કેસ નોંધાયા છે. ગર્ભવતી મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય અને હોસ્પિટલ
સુધી પહોંચાડવા માટે ૧૦૮ સેવાની મહત્વપૂર્ણ ભૂમિકા.
બીજી તરફ વાહન અકસ્માતમાં ઇજાના ૩૧૬ કેસ નોંધાયા છે, જ્યારે વાહન સિવાયની વિવિધ ઇજાના ૨૫૨ કેસ નોંધાયા છે. આમ, બંને પ્રકારના ઇજાના કેસ મળીને કુલ ૫૬૮ કેસ નોંધાતા અકસ્માત અને ઇજાની ઘટનાઓનું
પ્રમાણ પણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાહન અકસ્માતના નોંધપાત્ર કેસો માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વધુ સજાગતા લાવવાની જરૂરિયાત તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત અજાણી
સમસ્યાના ૨૬૧ કેસ, પેટના દુખાવાના ૧૬૯ કેસ, હૃદય સંબંધિત ૧૨૧ કેસ, શ્વાસ લેવામાં તકલીફના ૧૧૪ કેસ અને તાવના ૮૯ કેસ નોંધાયા હતા. આ પ્રકારની તબીબી કટોકટીમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે
તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ બની રહે છે. અન્ય કેસોમાં આંચકીના ૬૫, ઝેરની અસરના ૪૭, ડાયાબિટીસ સંબંધિત ૩૫, તીવ્ર માથાના દુખાવાના ૧૮ અને લકવો અથવા પક્ષાઘાતના ૧૫ કેસ નોંધાયા છે. ઉપરાંત
આંખમાં ઇજાનો એક કેસ તેમજ અન્ય વિવિધ પ્રકારની તબીબી કટોકટીના કેસો પણ ૧૦૮ ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.
છ દિવસમાં ગર્ભાવસ્થા સંબંધિત કેસોની મોટી સંખ્યા માતૃત્વ અને નવજાત આરોગ્ય સેવાઓમાં ૧૦૮ની સતત જરૂરિયાત દર્શાવે છે, તો બીજી તરફ વાહન અકસ્માત અને અન્ય ઇજાના કુલ ૫૬૮ કેસ માર્ગ સલામતીના મુદ્દે
ગંભીર ચિંતાનો વિષય બને છે. રોજબરોજ મોટી સંખ્યામાં આવતા ઈમરજન્સી કોલ વચ્ચે ૧૦૮ સેવા દર્દીઓને સમયસર પ્રાથમિક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કડી તરીકે કાર્યરત હોવાનું સ્પષ્ટ થાય
છે.




