મૃત્યુઆંક 1 હજારને પાર થયો, સૌથી વધુ ચિતવનમાં 321 મૃતદેહ મળ્યા
નેપાળમાં નદીઓનું જળસ્તર વધ્યા બાદ ૭જિલ્લામાં પૂરનું નવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, તનહું, નવલપરાસી અને ચિતવન જિલ્લાઓમાં નદી કિનારે આવેલા વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. ર૬ ઓગસ્ટના રોજ તિબેટમાં ગ્લેશિયર તૂટ્યા બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ આફતમાં મૃત્યુઆંક ૧ હજારને પાર કરી ગયો છે. નેપાળમાં ૯૮૭ અને તિબેટમાં ૧૬ લોકોના મોત થયા છે. ચિતવનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર૧ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ૪૪૦૦ થી વધુ લોકો ગુમ છે. નેપાળમાં ર૬ ઓગસ્ટે આવેલી ભયાનક પૂર દરમિયાન એક શાળાના પ્રિન્સિપાલના સમયસર લીધેલા નિર્ણયથી લગભગ ૯૦૦ વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને પૂરની ચેતવણી મળતા તેમણે તરત જ શાળા ખાલી કરાવી દીધી અને વિદ્યાર્થીઓને ઊંચી જગ્યાએ મોકલી દીધા.
શાળામાં કુલ ૧,૬૪૩ વિદ્યાર્થીઓ ભણતા હતા. દુર્ઘટના સમયે લગભગ ૯૦૦ વિદ્યાર્થીઓ કેમ્પસમાં હાજર હતા. દવાડી વિદ્યાર્થીઓ સાથે નજીકની ટેકરી પર પહોંચ્યા. થોડી જ વાર પછી પાણી, કાદવ, ખડકો અને કાટમાળનો તેજ પ્રવાહ શાળાની આખી ઈમારતને વહાવી ગયો. શાળાના બે કર્મચારીઓ સમયસર બહાર નીકળી શક્યા નહીં અને હજુ પણ ગુમ છે. તિબેટમાં પૂર અને ભૂસ્ખલનના એક અઠવાડિયા પછી પણ બચાવ અભિયાન ચાલુ છે. ટીમો ચીન-નેપાળ સરહદ સુધી જતા છેલ્લા ૧ કિમીના રસ્તાને ફરીથી જોડવામાં વ્યસ્ત છે. પાણીનું ભારે વહેણ અને સતત વરસાદને કારણે રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. પ્રશાસને નવા ભૂસ્ખલન અને ગ્લેશિયર તૂટવાનો ભય પણ વ્યક્ત કર્યો છે. તિબેટમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે, જ્યારે ૫૪૬ લોકો ગુમ છે.




