છત્તીસગઢ પછી આવું કરનારું ભારતનું બન્યુ બીજું રાજ્ય
૬ મહિના સુધીની જેલ અને ૧ લાખ સુધીના દંડની જોગવાઇ
- Advertisement -
આરોગ્યને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના (નકલી અથવા બિન-ડેરી પનીર) ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર આ પગલું ભરનાર બીજું રાજ્ય બન્યું છે. ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંઢેએ ૩૦ જુલાઈના રોજ એક આદેશ આપ્યો હતો.
આ આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું નકલી પનીર ઉત્પાદન, પ્રક્રિયા, પેકેજિંગ, સંગ્રહ, પરિવહન, જથ્થાબંથ અથવા છૂટક વેચાણ હવે પ્રતિબંધિત છે. ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (FDA) એ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ નકલી પનીરને વાસ્તવિક પનીર તરીકે વેચશે તો તેને જનતા સાથે છેતરપિંડી ગણવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ આવી પ્રવૃત્તિ ખોટી વેપારી પ્રવૃત્તિ ગણાશે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાયદા હેઠળ આ ગુના માટે ૬ મહિના સુધીની જેલ અને ₹૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ અસુરક્ષિત ખોરાકથી મૃત્યુ પામે છે. તો સજા આજીવન કેદ અને ઓછામાં ઓછા ₹૧૦ લાખનો દંડ છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યોએ નકલી પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ સરકારી નિર્ણયને જાહેર આરોગ્યના રક્ષણ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.
- Advertisement -
નોંધનીય છે કે, આ પહેલાં છત્તીસગઢ સરકારે પણ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. છત્તીસગઢ દેશમાં પહેલું રાજ્ય બન્યું હતું જ્યાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે એવા ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જે વાસ્તવિક દૂધના ઉત્પાદનો નથી. જો કે સરકારે ઉત્પાદનોને કેટલાક પ્રતિબંધમાંથી બહાર રાખ્યા છે.




