સામાન્ય વરસાદે જ મનપાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી
હાઇવેને જોડતા વ્યસ્ત માર્ગ પર ભૂવા અને ખાડાઓથી ટુ-વ્હિલર ચાલકો માટે જોખમ વધ્યું
- Advertisement -
રાજકોટ શહેરમાં વરસેલા સામાન્ય વરસાદી માહોલ વચ્ચે જ મહાનગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. માત્ર હળવાથી મધ્યમ વરસાદમાં જ શહેરના જુદા જુદા ૧૯ જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ જતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. આ ચોકડી ખાતે ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાઇવેને જોડતો આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી અનેક નાના-મોટા વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બન્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ મુખ્ય માર્ગ પર પડેલા મોટા ભૂવાઓ તંત્રના દાવાઓની હકીકત છતી કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ જો આ પ્રકારે રસ્તાઓ બિસ્માર બની જાય, તો આગામી દિવસોમાં મુસળધાર વરસાદ પડે ત્યારે શહેરની શું હાલત થશે તેને લઈને નાગરિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે, કે માધાપર ચોકડી સહિતના તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક પેચવર્ક કરીને રસ્તાઓ સલામત બનાવવામાં આવે.




