રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
શોખ અને જરૂરિયાત પૂરી કરવા બે વર્ષ પહેલા એમપીથી લાવ્યાની કબુલાત : એકની શોધખોળ
- Advertisement -
શહેરમાં શાંતિ અને સલામતી જોખમાય નહીં તે માટે ગેરકાયદે શસ્ત્રો સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આક્રમક ઝુંબેશ આદરી છે. આ ઝુંબેશ દરમિયાન પોલીસે કુવાડવા રોડ પરથી બે શખ્સોને આંતરીને પોલીસે દેશી બનાવટની ૩ પિસ્તોલ અને ૧ તમંચો મળી કુલ રૂ. ૯૦,૦૦૦નો ગેરકાયદે શસ્ત્રોનો જથ્થો કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર શખસની શોધખોળ આદરી છે. રાજકોટમાં હથિયારોની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એન. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના અર્જુનભાઈ ડવ, ગોપાલભાઈ પાટીલ અને મયૂરધ્વજસિંહ જાડેજાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી લાવવામાં આવેલા ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સો કુવાડવા રોડ પરથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે કુવાડવાથી વાંકાનેર તરફ જતા હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન સુરેન્દ્રનગરના ઢીકવાળી ગામના વિજય મસરૂભાઈ બાવળીયા અને છોટા ઉદેપુરના ગાંઠિયા ગામના રિપલાભાઈ ઉર્ફે વિપુલભાઈ કાગડીયાભાઈ રાઠવાને સકંજામાં લઈ ઝડતી લેતા વિજય પાસેથી ૧ પિસ્તોલ અને રિપલા પાસેથી ૨ પિસ્તોલ તથા ૧ તમંચો મળી આવ્યા હતા.પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, સુરેન્દ્રનગરમાં મજૂરી કામ કરતી વખતે બંને વચ્ચે પરિચય થયો હતો. પોતાના શોખ અને જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ આશરે બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશમાંથી આ હથિયારો ખરીદીને લાવ્યા હતા. તેમજ પકડાયેલ વિજય બાવળીયા અગાઉ પણ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન અને સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જયારે આ ગુનામાં ફરાર ધીરૂ મોહન કુકડીયાની શોધખોળ આદરી છે.
કુચિયાદળ પાસે હિટ એન્ડ રન : પગપાળા ચોટીલા દર્શને જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
રાજકોટના અમદાવાદ હાઈવે ઉપર કુચીયાદળ નજીક હિટ એન્ડ રનના બનાવ બન્યો હતો જેમાં મહીકા ગામના વૃદ્ધ પગપાળા ચોટીલા જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક નાસી છૂટ્યો હતો. મહીકા ગામે રહેતા જુગાભાઈ રામાભાઈ સાપરા ઉ.65 તેના ઘરેથી ચાલીને ચોટીલા જતા હતા તે દરમિયાન કુચીયાદળ પાસેના ઓવર બ્રિજ નજીક પુરપાટ અજાણ્યા વાહને ઠોકરે લેતા તેનુ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઈ સાંગાણી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. નિવૃત જીવન જીવતા વૃદ્ધે અકસ્માતમાં જીવ ગુમાતા એમના છ સંતાન સહિતના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે મૃતકના પુત્ર હિતેશભાઈની ફરિયાદ પરથી અકસ્માત બાદ નાસી જનારા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.
- Advertisement -
રાજકોટમાં 5 સ્થળે જુગારના દરોડામાં 6 મહિલા સહિત ૩૦ ઝડપાયા
રાજકોટમાં શ્રાવણ માસ પુર્વે જુગારના હાટડા બંધ કરવવાના પોલીસના અભીયાન દરમ્યાન પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી 6 મહીલાઓ સહિત 30 પતાપ્રેમીઓની ધરપકડ કરી 1,08,720 રૂપિયાની મતા કબજે કરી છે. રાજકોટના પરસાણાનગરમાં ચાલતા જુગાર ધામ ઉપર પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાની રાહબરીમાં ટીમે દરોડો પાડી જુગાર રમતો કરણ ભગવાનજી ઢાંકેચા, બાબુ નરશીભાઈ પરમાર, કિશન રાજુભાઈ સોલંકી, બીપીન નાનજીભાઈ વાઘેલા, અનીકેત મુકેશભાઈ પુરબીયા, હિતેશ ભરતભાઈ ઢાંકેચા અને કેતન જયંતીભાઈ વાઘેલાની ધરપકડ કરી તેની પાસેથી 55 હજારની રોકડ કબજે કરી હતી. જયારે પ્રનગર પીઆઇ મનીષ મકવાણાની રાબરીમાં તૌફિકભાઈ સહિતના સ્ટાફે શ્રોફ રોડ પર તીનપતીનો જુગાર રમતો રણજીત રતીલાલ મકવાણા, રાહુલ પરસોતભાઈ નૈયા, રાહુલ બીપીનભાઈ પરમાર, સાગર ગોપાલભાઈ સાહી, ભુપેન્દ્ર રાજેશભાઈ ગોહેલ અને વિમલ રમેશભાઈ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી 23,280ની મતા કબજે કરી હતી. તેમજ પ્રનગર પોલીસે ઠકકર બાપા વિસ્તારમાં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર બીજો દરોડો પાડી રાજેશ ભીખુભાઈ ગોહેલ, શંકર મીઠા શીંગાળા, મહેશ જીવાભાઈ મકવાણા, રામજી પ્રેમજીભાઈ બેરડીયા, આકાશ ગણપતભાઈ પરમાર, પ્રભાબેન રાજેશભાઈ ગોહેલ, કાજલબેન મહેશભાઈ મકવાણા, રૂપાબેન મુકેશભાઈ મકવાણા, ચંદાબેન ગણપતભાઈ પરમાર, અંબિકાબેન શંકરભાઈ શીંગાળા, વિજયાબેન રાજુભાઈ ઝાલાની ધરપકડ કરી તેની પાસેથી 18,980ની રોકડ કબજે કરી છે. જ્યારે યુનિર્વસિટી પોલીસે એસઆરપી કેમ્પ પાસે તીનપત્તીનો જુગાર રમતો કરણ વેલજી વાજેલીયા, ભરત લખમણ સાડમીયા તથા તેનો ભાઈ કિશન અને જયસિંહ કુસારામ મકવાણાની ધરપકડ કરી તેની પાસેથી 10 હજારની રોકડ રકમ કબજે કરી છે તેમજ રૈયાધાર પાસે તીનપત્તીનો જુગાર રમતા સુરેશ ઉકા મકવાણા અને જયેશ હમીર બગડાની ધરપકડ કરી તેની પાસેથી 1260 રોકડ સહિતની મત્તા કબજે કરી છે.
મચ્છોમાંના મંદિરમાં ચોરી કરનાર તસ્કર ગણતરીના કલાકોમાં ઝડપાયો
રાજકોટના મવડી મેઈન રોડ પર રહેતા અને દીવાનપરામાં આવેલ મચ્છોમાંના મંદિરમાં સેવા પૂજા કરતા જયંતીલાલ રણછોડદાસ દેસાણી ઉ.69એ 60 હજારની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે શનિવારે ફરિયાદ નોંધાવી હતી દર્મિયા ઉપરોક્ત ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ 12,500ની રોકડ કબ્જે કરી છે આરોપી અગાઉ ચોરી સહિતના 19 ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી ડી રાવલિયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના મુકેશભાઈ સબાડ અને મનીષભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે મૂળ યુપીના હાલ કેસરી પુલ નીચે રહેતા આરોપી વિવેક બીરેન્દ્રસિંહ ચૌહાણને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી સંપૂર્ણ 12,500ની રોકડ રકમ કબજે કરી છે આ અગાઉ રાજકોટ, જામનગરમાં ચોરી સહિતના 19 ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભક્તિનગર પોલીસે ગુમ થયેલા 3.78 લાખના 22 મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા
રાજકોટના ભક્તિનગર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ CEIR પોર્ટલની મદદથી કુલ 22 ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરીને તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે.પરત અપાયેલા મોબાઈલની કુલ કિંમત 3,78,417 હોવાનું પોલીસે જણાવ્યું છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ પરમારની રાહબરીમાં 25 જુલાઈએ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુમ થયેલા મોબાઇલ તેમના માલિકોને સોંપવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ સ્ટાફે CEIR પોર્ટલ પર નોંધાયેલી અરજીઓના આધારે અલગ-અલગ સ્થળેથી મોબાઇલ ટ્રેસ કરી કાયદેસરની કાર્યવાહી બાદ અરજદારોને પરત અપાવ્યા હતા પરત અપાયેલા મોબાઈલમાં વિવિધ કંપનીના હેન્ડસેટનો સમાવેશ થાય છે. તેમાં અંદાજે 47 હજાર કિંમતનો iPhone પણ સામેલ છે. પોલીસની સમયસરની કાર્યવાહીથી અનેક લોકોના કિંમતી મોબાઇલ પરત મળતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ સ્ટાફે સતત ટેક્નિકલ તપાસ, ટ્રેકિંગ અને સંકલન કરીને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા. પોલીસે લોકોને મોબાઇલ ગુમ થાય તો તાત્કાલિક CEIR પોર્ટલ અને નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની અપીલ પણ કરી છે.
હિરાસર નજીકના ગામમાં મહિલા પાસે બીભત્સ માંગણી કરી ન્યુડ ફોટા વાયરલ કર્યા
રાજકોટ નજીકના એક ગામમાં પરિણીતા પાસે અયોગ્ય માંગણી કરી જાતીય સતામણી કરી હતી પરંતુ મહિલાએ ના પાડતા ઈન્ટાગ્રામમાં ન્યૂડ ફોટા વાયરલ કર્યાની ફરીયાદ કરતા એરપોર્ટ પોલીસે બે શખસો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એક ગામમાં રહેતી મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિશાલ વલ્લભ સોરાણી અને વિશાલ વિનુ મકવાણા સામે ફરીયાદ કરી હતી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેને અગાઉ વિશાલ સુરાણી સાથે સંબધ હોય ફોનમાં વાત કરતા હતા તે દરમ્યાન તેના ચોરીછૂપીથી ન્યૂડ ફોટા પાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિશાલ સુરાણીએ બિભત્સ માંગ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી પરંતુ મહિલાએ આ વાતનો ઈનકાર કરી દેતા તેમની વચ્ચે ભારે ડખો થયો હતો.જેથી મહિલાએ તેની સાથે વાત સંબધ કટ કરી નાખ્યા હતા. બાદમાં વિશાલ મકવાણાએ તેની પાસે બિભત્સ ફોટા હોવાની વાત કરી જાતીય સતામણી કરી હતી પરંતુ મહિલાએ જવાબ નહી આપતા તેને મહિલાને બ્લેકમેલ કરવાના ઈ રાદાથી તેના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધા હતા.જેની જાણ થતા તેને પતિને વાત કરી ફરીયાદ કરી હોવાનુ જણાવતા પીઆઈ તરેટીયા સહીતના સ્ટાફે ગુનો નોધી બન્ને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
અંબાજી કડવા પ્લોટનો બનાવ : કપાતમાં આવતા મકાન અંગે અરજી કરનાર મહિલાને ગાળો ભાંડી, મારી નાખવાની ધમકી
રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં રહેતા પુજાબેન ઘનશ્યામભાઈ ઝાલા ઉ.29એ તેમના મકાનની સામે રહેતા તેજસ નથવાણી, ભાવનાબેન નથવાણી, અભેરામ નથવાણી અને વિજુબેન પરમાર સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 23 તારીખે બપોરે હુ મારા ઘરે હતી ત્યારે મકાનની બાજુની બંધ ગલીમા રહેતા વિજુબેન તથા સામે રહેતા ભાવનાબેન અભીરામ નથવાણી તેઓ બંન્ને મારા ઘર બહાર શેરીમા ઉભા ઉભા ઉંચા અવાજે મને ગાળો બોલતા હોય અને અમારે અગાઉ આ ભાવનાબેન સાથે ઝઘડો થયેલ હોય અને આ ભાવનાબેનનુ મકાન જે અમારી શેરીમા આવેલ છે તે ૪૦ ફુટનો રોડ હોય અને તેમનુ સાતેક ફુટ જેટલુ મકાનનુ બાંધકામ ગેરકાયદે હોય તેવી અમોને જાણ થતા અમોએ તે બાબતે કોર્પોરેશનમા અરજી કરેલ હોય અને આજથી આશરે સાતેક દિવસ પહેલા કોર્પોરેશનના માણસોએ આવીને ભાવનાબેનના મકાન બહાર નોટીસ મારેલ હોય તે બાબતનો ખાર રાખીને રાડો પાડીને ભાવનાબેન ઉંચા અવાજે મને બોલતા હોય કે ઘર બહાર આવે એટલે મારવી છે આમ ઉંચા અવાજે બોલીને રાડો પાડતા હોય જેથી હું ઘર બહાર નિકળેલ નહી. બાદમા થોડી વાર બાદ ભાવનાબેનનો દિકરો તેજસ આવી જતા તે પણ ઘર બહાર શેરીમા ઉભા ઉભા મને ઉંચા અવાજે ગાળો બોલવા લાગેલ જેથી મે મારા પતિ ઘનશ્યામભાઈને ફોન કરીને આ વાત કરી હતી બાદ થોડીવારમા મારા જેઠ વિક્રમભાઇ બહારથી અમારા ઘર બહાર શેરીમા આવેલ અને તે આવીને આ તેજસને સમજાવવા લાગેલ જેથી તેમનો અવાજ આવતા હુ ઘર બહાર શેરીમા નિકળેલ અને તે દરમીયાન મારા પતિ ઘનશ્યામભાઇ પણ આવી ગયેલ અને તેમને પણ તેજસ ઉંચા અવાજે કહેવા લાગેલ કે, તુ અને તારો પરીવાર બધાને દબાવવાનુ જ કામ કરો છો. પણ તમારા જેવાને મને સીધા કરતા આવડે છે તમે અમારુ કાઇ બગાડી નહી શકો.” અને આ તેજસ મને કહેવા લાગેલ કે, તને તો જાનથી મારી નાખવી છે. તે દરમીયાન આ તેજસના પિતા અભીરામ નથવાણીપણ પતિ સાથે ઝઘડો કરીને ગાળા ગાળી કરવા લાગેલ હતા બાદમા અભીરામ ગાળો બોલતા બોલતા ઘરનો મેઇન ગેટ ખોલીને અંદર આવવા પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યા શેરીમા માણસો ભેગા થઇ જતા તમામ પોતાના ઘરે જતા રહ્યા હતા અને બાદમાં મેં ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતી જેલમાં બંધ રિબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને ફરિ જૂનાગઢ જેલમાં ટ્રાન્સફર કરાયા : અમિત ખૂંટ આપઘાત કેસમાં મળી ચુક્યા છે જામીન : ગોંડલના પૂર્વ ધારાસભ્ય હત્યા કેસમાં ભોગવી રહ્યા છે જેલવાસ
અમદાવાદની સેન્ટ્રલ જેલ (સાબરમતી)માં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી એકવાર જૂનાગઢ જિલ્લા જેલમાં ટ્રાન્સફ્ફ કરવાનો સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ છૂટતાં જ જેલ પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ સામે ચાલી રહેલા કાનૂની મામલાઓની વાત કરીએ તો, વર્ષ ૧૯૮૮ના બહુચર્ચિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં તેમને અદાલતે આજીવન કેદની સજા ફ્ટકારેલી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન/સ્ટે રદ કરી તુરંત સરેન્ડર કરવાનો આકરો ચુકાદો આપતાં તેઓ સજા કાપી રહ્યા છે. જ્યારે બીજી તરફ, ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આત્મહત્યા દુત્પ્રેરણા કેસમાં તેમને ગુજરાત હાઇકોર્ટ તરફથી જામીન મળી ચૂક્યા છે.આમ, અમિત ખૂંટ કેસમાં રાહત મળી હોવા છતાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે. હાલ જેલ તંત્ર અને કાયદાકીય જોગવાઈઓના ભાગરૂપે તેમને સાબરમતી જેલમાંથી જૂનાગઢ જેલમાં શિફ્ટ કરાતાં સૌરાષ્ટ્રના રાજકીય અને કાનૂની ક્ષેત્રે ચર્ચા જાગી છે.
પારડીમાં જુગાર રમતા રાજકોટના 4 સહીત 7 ઝડપાયા : રોકડ, મોબાઈલ સહીત 2.91 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલ પારડી ગામમાં ચાલતી જુગાર કલબમાં શાપર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં રાજકોટના ત્રણ વેપારી સહિત 7 શખ્સોને ઝડપી લઇ રોકડ 1.74 લાખ સહિત 2.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં એએસઆઈ, ડી.આર.સરવૈયા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, પ્રતીપાલસીંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના સ્ટાફને શાપર પાસે આવેલ પારડી ગામમાં શીતળા મંદીર પાછળ રહેતો ભાર્ગવ નારણગીરી અપારનાથી પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમાડી પોતાના આર્થીક ફાયદા સારુ નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ભાર્ગવ નારણગીરી અપારનાથી, નારણગીરી મોતીગીરી અપારનાથી, જયેશ ટપુભા ઘરડુસીયા, હિતેષ વ્રજલાલ રાજાણી, ધ્રુવ અનીરૂધ્ધ કાકડીયા, નીકુંજ બાવા પરસાણા અને કિશોર દોલતરામ વાઘવાણીની ધરપકડ કરી રોકડ રૂ.1,76,770, મોબાઇલ ફોન નંગ-6 મળી કુલ કિંમત રૂ.2,91,8870 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
માંડાડુંગર પાસે ટ્રકની ઠોકરે પ્રૌઢનું મોત : અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલાકની શોધખોળ
રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે જેમાં આજીડેમ ચોકડીથી માંડા ડુંગરના રસ્તે સર્વિસ જતા પ્રૌઢને ટ્રક ચાલકે ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ફેકટરીના બગીચામાં માળી તરીકે નોકરી કરતાં પ્રૌઢ નોકરી પુરી કરી પગપાળા ઘરે જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. રાજકોટના માંડા ડુંગર નજીક સુંદરમ્ સોસાયટીમાં રહેતાં અને ભવાની કારખાના પાસે બગીચામાં માળી તરીકે કામ કરતા રવજીભાઇ વાલજીભાઇ પરમાર ઉ.58 ગત સાંજે સાડા પાંચેક વાગ્યે નોકરીથી છૂટીને સર્વિસ રોડ પર ચાલીને ઘર તરફ જતાં હતાં ત્યારે ટ્રક ચાલકે ઠોકરે લીધા બાદ અકસ્માત સર્જી ભાગી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા એકઠા થઇ જતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. રવજીભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મૃત્યુ થયું હતું બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રવજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે આજીડેમ પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
રૈયાધારમાં ફાકીના પૈસા નહીં આપતા પરપ્રાંતીય શ્રમિકને છરીના ઘા ઝીકી દીધા
મૂળ યુપીના હાલ રાજકોટના રૈયાધાર સ્લ્મ ક્વાર્ટરમાં રહેતા અને કલરકામ કરતા ફીરોજભાઇ ગુલામભાઇ કાદીર ઉ.21એ રોહિત, રાજેશ અને દીપક સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે હું શાકભાજી લઇને મારા ઘરે ચાલીને જતો હતો ત્યારે અચાનક ત્રણ છોકરાવ મારી પાસે આવેલ અને મારી પાસે ફાકી ખાવાના પૈસા માગવા લાગેલ જેથી મે પૈસા આપવાની ના પાડતા તે લોકો મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને તે એકબીજાને નામથી બોલાવતા હોય જેમના નામ મે સાંભળેલતો એકનુ નામ રોહીતભાઈ તથા રાજેશભાઈ હોય જેઓએ મને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ અને ત્રીજો દીપકભાઇ જેણે નેફામાંથી એક છરી કાઢી મને સાથળના ભાગે એક ઘા મારી દીધો હતો અને બીજો ઘા મારવા જતા મારા જમણા હાથની કોણી પાસે છરકો પડેલ અને હું બુમાબુમ કરતા આ ત્રણેય જણા ત્યાથી ભાગી ગયા હતા હું ઘરે પહોંચ્યો હતો અને બધી વાત કર્યા બાદ મારો મોટો ભાઇ દવાખાને લઇ જતો હોય ત્યારે અમે રૈયાધાર માર્કેટ પાસે પહોચતા મે આ છોકરાવ મને મારેલ હોય તેને હું જોય જતા મે મારા ભાઇને બતાવેલ જેથી મે તથા મારા ભાઇએ આમને પકડી અને 112માં ફોન કરી ગાડી બોલાવેલ જેથી પોલીસની ગાડી આવતા અમે બધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.




