CJPએ કહ્યું – આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડએડ લગાવવા જેવું
વડાપ્રધાન મોદીએ પેપર લીકના દોષિતોને ઝડપી અને સખત સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જોકે, દિલ્હીમાં આંદોલનનું રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’એ આ જાહેરાતને ફગાવી દીધી છે. CJPએ વડાપ્રધાનના પ્રસ્તાવને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પોતાની પ્રાથમિક માંગણી પર અડગ રહેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ દોહરાવી છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેરાત પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓ પાછળના મૂળ કારણને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત એ કોઈ વાસ્તવિક ઉકેલ નથી, પરંતુ માત્ર ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ છે. વડાપ્રધાન દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે દૂર મજાક કરી રહ્યા છે. રાંકાએ દલીલ કરી હતી કે પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ નથી, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમતાના કારણે થઈ રહ્યા છે. તેઓ એક સુરક્ષિત અને ચોક્કસ પરીક્ષા સિસ્ટમ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આજે દેશનો યુવા એક જ વસ્તુ માંગી રહ્યો છે – જવાબદારી. વડાપ્રધાનનો પ્રસ્તાવિત ઉકેલ એવો છે જાણે ફેક્ચર થયેલા હાડકા પર બેન્ડ-એડ લગાવવી! સમસ્યા આનાથી વધુ ઊંડી છે. આપણી પરીક્ષા પ્રણાલી અંદરથી સડી ગઈ છે. જયાં સુધી આ સિસ્ટમિક નિષ્ફળતાઓને સુધારવામાં નહીં આવે, ત્યાં સુધી પેપર લીક થતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને લાંબી કાનૂની પ્રક્રિયાઓના આશ્વાસનની જરૂર નથી પણ તાત્કાલિક ન્યાય અને જવાબદારીની જરૂર છે, જે શિક્ષણ મંત્રી સામેની સખત કાર્યવાહીથી શરૂ થવી જોઈએ.




