રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો
29 વેપારીને નોટિસ, રૂ.75,500નો દંડ વસૂલાયો, 4 નમૂના લેબમાં મોકલાયા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં 64 પેઢી અને રેસ્ટોરન્ટમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ 476 કિલોગ્રામ અખાદ્ય, વાસી અને આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 29 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન સહિતના મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. નિયમોના ભંગ બદલ કુલ રૂ.75,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે FSSAI એક્ટ હેઠળ ચાર ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા શહેરની 11 પેઢીઓને સીલ કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન નાના મવા રોડ પર આવેલી હાઉસ ઓફ સ્નેક્સ પેઢીમાં કિચન, ડીપ ફ્રીજ, સ્ટોરેજ અને પ્લેટફોર્મ પર વ્યાપક ગંદકી જોવા મળી હતી. અહીંથી 40 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી પેઢીને સીલ કરવામાં આવી હતી અને રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. માધાપર ખાતે આવેલી આર.બી. ફ્રુડ પ્રોડક્ટ પેઢીમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર તેમજ સડેલા અને જમીન પર રાખેલા 90 કિલોગ્રામ કાપેલા પપૈયાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને પણ સીલ કરી રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટોમેટો સોસનો નમૂનો લેવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર રોડ પર આવેલી જય અંબે લાઈવ વેફર્સમાં દાઝેલા તેલમાં ફરસાણ બનાવવું, જીવાતોનો ઉપદ્રવ, દુર્ગંધયુક્ત સ્ટોરેજ અને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ સામે આવતા પેઢી સીલ કરવામાં આવી હતી. 150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રી જલારામ ટ્રેડર્સમાં લાઇસન્સ વગર ખાદ્ય પ્રોસેસિંગ, ગંદકી, ઉંદર-જીવાતોનો ઉપદ્રવ અને અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના નામે પેકિંગ કરી વેચાણ કરાતું હોવાનું બહાર આવતા રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલી પેઢીને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રહલાદ પ્લોટ સ્થિત સદગુરુ ફરસાણ નમકીન એન્ડ સ્વીટ, મવડી બાયપાસની પટેલ ચાઈનીઝ ભેળ, ગોંડલ રોડની ઇન્ડિયા રેસ્ટોરન્ટ, મવડી બાયપાસની શ્રીજી ફૂડ ઝોન, મવડી પાળ રોડની સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ પંજાબી, કોઠારીયા રોડની શિવ શંકર રેસ્ટોરન્ટ અને નાના મવા રોડની મહાદેવ પેંડા પેઢીઓને પણ ગંભીર અનિયમિતતાઓને પગલે સીલ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન ઠાકોરજી હોટેલમાંથી 75 કિલોગ્રામ, કંદોઈ હરીલાલ દેવજી એન્ડ સન્સમાંથી 20 કિલોગ્રામ, મહાદેવ ફરસાણમાંથી 26 કિલોગ્રામ, મહાદેવ પેંડામાંથી 30 કિલોગ્રામ મીઠો માવો, શ્રીજી ફરસાણ એન્ડ ખમણમાંથી 12 કિલોગ્રામ વાસી ફરસાણ, બોમ્બે સ્ટાઈલ પાણીપુરીમાંથી 8 કિલોગ્રામ વાસી બટેટા તથા અન્ય સ્થળોએ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બચુભાઈ થાબડીવાળામાંથી 10 કિલોગ્રામ અને કૈલાશ સ્વીટ માર્ટમાંથી 4 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરવામાં આવી હતી. અનેક વેપારીઓ સામે લાઇસન્સ વગર વ્યવસાય ચલાવવો, મીઠાઈ પર ટેગિંગનો અભાવ, ખુલ્લી ખાદ્ય ચીજો રાખવી, ગંદકી, દાઝેલા તેલનો ઉપયોગ અને અનહાઈજેનિક સ્ટોરેજ જેવી ગંભીર ખામીઓ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
દૂધના નમૂનાઓની પણ તપાસ
ફૂડ વિભાગે મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત મવડી વિસ્તારની બજરંગ ડેરી એન્ડ ફરસાણમાંથી દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે કોઠારીયા રોડ પર આવેલી શ્રી કૈલાશ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. અહીં લાઇસન્સ ન હોવાના કારણે રૂ.1,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં ભેળસેળ, વાસી ખોરાક, ગંદકી અને ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે આગામી સમયમાં પણ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.




