2થી 6 સપ્ટેમ્બર સુધી રેસકોર્સમાં યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તૈયારીઓ શરૂ
4 ઇમર્જન્સી ગેટ, 150 સિક્યુરિટી ગાર્ડ, AI આધારિત મોનિટરિંગ અને 228 સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે લાખો લોકોની હાજરી ધરાવતા આ લોકમેળાને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગત વર્ષના ડ્રોન ફૂટેજનો ઉપયોગ કરીને સમગ્ર મેળાનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. લોકમેળા સમિતિએ ગત વર્ષના ડ્રોન સર્વેના આધારે કયા વિસ્તારોમાં સૌથી વધુ ભીડ થઈ હતી, કયા સ્થળોએ અવરજવર વધુ રહી હતી અને કયા વિસ્તારોમાં ટ્રાફિક અથવા ભીડનું દબાણ સર્જાયું હતું તેનો વિગતવાર અભ્યાસ કર્યો છે. તેના આધારે આ વર્ષે ફૂડ સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ, આઈસક્રીમ ઝોન, પોલીસ કંટ્રોલરૂમ સહિતની આંતરિક વ્યવસ્થાનો નવો લેઆઉટ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યો છે. મેળામાં કોઈપણ ઇમર્જન્સી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી થઈ શકે તે માટે ચાર વિશેષ ઇમર્જન્સી ગેટ બનાવવામાં આવશે. મુલાકાતીઓને સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે બે મુખ્ય સ્થળોએ ગાઈડ મેપ અને ઇન્ફોર્મેશન બોક્સ મૂકવામાં આવશે, જેમાં શૌચાલય, પીવાનું પાણી, વિશ્રામ સ્થળો તેમજ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અંગેની માહિતી ઉપલબ્ધ રહેશે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રથમવાર AI આધારિત મોનિટરિંગ સાથે હાઈ ડેફિનેશન CCTV કેમેરા, સેન્ટ્રલ કંટ્રોલરૂમ, 14 મુખ્ય વોચ ટાવર, 36 સાઉન્ડ ટાવર અને 3 વિશેષ વિશ્રામ ગૃહ ઉભા કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર મેળાની સુરક્ષા માટે 150 સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. આ તમામ વ્યવસ્થાના સંચાલન માટે 100થી વધુ રેવન્યુ કર્મચારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
લોકમેળા સમિતિ દ્વારા કુલ 228 પ્લોટ અને સ્ટોલ માટે સોમવારથી શાસ્ત્રી મેદાન સામે આવેલી ઇન્ડિયન બેંક (તોરલ બિલ્ડિંગ) ખાતેથી અરજીપત્રકોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અરજદારોને 28 જુલાઈ સુધીમાં ભરેલા ફોર્મ જમા કરાવવાના રહેશે. સમગ્ર પ્રક્રિયા માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની ત્રણ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે યાંત્રિક રાઈડ્સની વિવિધ કેટેગરી (E, F, G અને H) માટે 31 ફોર્મ ઉપડ્યા હતા, જ્યારે અન્ય પ્રકારના સ્ટોલ માટે 55 અરજીઓ લેવામાં આવી હતી. આ પ્રતિસાદને જોતા લોકમેળામાં વેપારીઓ અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકમેળાના ભવ્ય ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
સ્ટોલ અને પ્લોટના ભાડામાં વધારો
એક તરફ લોકમેળાને વધુ આધુનિક બનાવવા માટે નવી ટેક્નોલોજી અને સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સ્ટોલ અને પ્લોટના ભાડામાં કરવામાં આવેલા નોંધપાત્ર વધારાને લઈને વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખાણીપીણીના સ્ટોલના ભાડામાં રૂ. 2,000થી રૂ. 5,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે જાયન્ટ રાઈડ્સના પ્લોટ માટે રૂ. 5,000થી રૂ. 8,000 સુધી વધુ ચૂકવવા પડશે. કેટલીક કેટેગરીમાં તો વધારો રૂ. 12,000 સુધી પહોંચતા વેપારીઓએ તેને અતિશય ગણાવ્યો છે. આ ભાવવધારાના વિરોધમાં આગામી અઠવાડિયે રેસકોર્સ ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં આગળની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.




