શોખ ખાતર રાખતો હોવાની કબૂલાત : રાજકોટ પીસીબીએ જેને પકડ્યો તેની પાસેથી લીધા હતા
રાજકોટ પીસીબીએ હથિયારની કાર્ટેલનો પર્દાફાશ કરી અન્ય આરોપીઓ સાથે જસદણના બોધરાવદરના જયસુખ ઉર્ફે જેસો વાઘેલાને ઝડપી લીધો હતો. હવે તેણે આપેલા વધુ બે હથિયારો રાજકોટ રેન્જ પોલીસની ટીમે કબજે કરી ચોટીલામાં રહેતા નૃપેન્દ્ર મહેન્દ્રભાઈ પટગીરને ઝડપી લીધો છે.
- Advertisement -
રાજકોટ રેન્જ પોલીસના પીએસઆઈ બી.સી.મિયાત્રાએ ચોક્કસ બાતમી આધારે ચોટીલા-આણંદપુર રોડ પરથી પસાર થયેલી ફોરચ્યુનર કારને અટકાવી તલાશી લેતા અંદરથી દેશી બનાવટની બે પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિસ સાથે નૃપેન્દ્ર મળી આવતા તેની ધરપકડ કરી હતી પ્રાથમિક પુછપરછમાં તેણે બંને હથિયારો અને કાર્ટિસ જયસુખ પાસેથી લીધાની કબૂલાત આપી છે પોલીસ સુત્રોએ જણાવ્યું કે, અગાઉ આટકોટમાંથી એસઓજીએ બે હથિયારો પકડયા હતા ત્યારે પણ જયસુખનું નામ ખુલ્યું હતું. ત્યાર બાદ તેને પીસીબીએ હથિયારના કેસમાં ઝડપી લીધો હતો. હાલ તે જેલની હવા ખાઈ રહ્યો છે.
ઝડપાયેલા આરોપી નૃપેન્દ્રએ શોખ ખાતર હથિયારો રાખ્યાની માહિતી મળી છે. ફોરચ્યુનર કાર તેના મામાની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસમાં તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ ગુનો દાખલ કરાવાયો છે.




