ઓમાન ખાતે યોજાયેલી 10મી એશિયન બીચ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યમાંથી માત્ર બે ખેલાડીઓની ભારતીય બીચ હેન્ડબોલ ટીમમાં પસંદગી થઈ હતી અને ગૌરવની વાત એ છે કે આ બંને ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ છે. ધ્રુવ નિલેશભાઈ જાદવ, જે હાલમાં જે. જે. કુન્ડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર–1માં અભ્યાસ કરે છે, તેઓ નેશનલ મેડાલિસ્ટ ખેલાડી છે. જ્યારે હર્ષ ભરતભાઈ પાંભર, જે હાલમાં સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર–3માં અભ્યાસ કરે છે, તેઓએ પણ હેન્ડબોલ ક્ષેત્રે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓએ 6 થી 15 મે, દરમિયાન મસ્કત (ઓમાન) ખાતે યોજાયેલી 10મી એશિયન બીચ હેન્ડબોલ ચેમ્પિયનશિપ (પુરુષ અને મહિલા)માં ભારતીય ટીમ તરફથી સફળતાપૂર્વક ભાગ લઈ ભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. ચેમ્પિયનશિપમાં તેમની ભાગીદારી અને યોગદાનને આયોજકો દ્વારા વિશેષ બિરદાવવામાં આવ્યું હતું.
આ બંને ખેલાડીઓએ તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ પુરુષ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ચોથું સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત એ.આઈ.યુ. વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બ્રોન્ઝ મેડલ તેમજ અગાઉની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ અપાવવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ.આઈ.યુ.ના માપદંડ મુજબ ભારતની શ્રેષ્ઠ ચાર હેન્ડબોલ યુનિવર્સિટી ટીમોમાં સ્થાન ધરાવે છે. આ યુનિવર્સિટીના ચારથી વધુ ખેલાડીઓ હાલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ સમગ્ર સફળતા પાછળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીનું ખેલાડીઓ પ્રત્યેનું સતત પ્રોત્સાહન, રમતગમત પ્રત્યેની દુરંદેશી વિચારસરણી અને ખેલાડીઓની નાનામાં નાની સિદ્ધિઓને પણ યોગ્ય માન્યતા આપવાનો અભિગમ મહત્વપૂર્ણ રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ ઉભી કરી છે.
આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા, વિભાગીય અધિકારી શ્રી કે. કે. બાવડા, શારીરિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ તથા શારીરિક શિક્ષણના અધ્યાપકોએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ બંને ખેલાડીઓ ડૉ. વિપુલ પરમાર અને ડૉ. હરીશ રાબાની કોલેજના વિદ્યાર્થીઓ છે. ઉપરાંત તેઓ ગુજરાત હેન્ડબોલ એકેડમીમાં કોચ સી.પી. સિંહ અને પ્રવીણ સરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે અને સતત ગુજરાત તથા ભારતનું નામ રોશન કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમના કોચ ડૉ. ભાવેશ રાબા તથા મેનેજર રાહુલભાઈના માર્ગદર્શન હેઠળ ટીમે એ.આઈ.યુ. વેસ્ટ ઝોનમાં બ્રોન્ઝ મેડલ અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવી ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી ટીમોમાં સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિને વધાવતા કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ તથા અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વધુ ગૌરવપૂર્ણ રીતે રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.




