યુપીમાં કાર અને પુલ ડૂબ્યાં, 3 દિવસમાં 15નાં મોત
ઉત્તરાખંડ-હિમાચલમાં 438 રસ્તા બંધ 4 દિવસથી પ્રવાસીઓ ફસાયા
- Advertisement -
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના ૧૦ રાજ્યોમાં આગામી ૫ દિવસ સુધી ચોમાસું નબળું રહેશે. આ રાજ્યોમાં વરસાદની ઓછી સંભાવના છે. તેનું કારણ દેશના પશ્ચિમી ભાગમાંથી વાદળોનું ગાયબ થઈ જવું છે. નવી સેટેલાઈટ તસવીરોમાં વાદળો પૂર્વીય રાજ્યો ઉત્તરાખંડ, યુપી, બિહાર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા તરફ ખસી ગયા છે. જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. યુપીના હાપુડમાં ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું. થાર કાર ડૂબી ગઈ. બિજનૌરમાં ગંગા અને તેની સહાયક માલન નદી ઉફાન પર છે. પુલ ડૂબી જવાથી મેરઠ-બિજનૌર હાઈવે, હરિદ્વાર રોડ સહિત અનેક રૂટ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ૩ દિવસમાં ૧૫ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં ૧૧૮ રસ્તાઓ બંધ થઈ ગયા. યમુનોત્રી નેશનલ હાઈવેનો લગભગ ૧૦૦ મીટરનો ભાગ તૂટી ગયો. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે ૩૨૦ થી વધુ રસ્તાઓ બંધ છે.
મિઝોરમના લુંગલેઈ જિલ્લામાં વરસાદ બાદ નદીનું જળસ્તર વધી ગયું. ૮૦ પરિવારોને સુરક્ષિત સ્થળોએઁ ખસેડવામાં આવ્યા. રાજ્યમાં ૨૯ જગ્યાએ ભૂસ્ખલન થયું. લુંગલેઈ જિલ્લાના બુઆલ્તે ગામ પાસે નેશનલ હાઈવે ૫૪ બંધ થઈ ગયો છે, જ્યાં છેલ્લા ચાર દિવસથી ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. પૌરી ગઢવાલમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે ચાલતી પીકઅપ પર પહાડનો એક ભાગ તૂટી પડયો. કાટમાળ અને પથ્થરોની ઝપેટમાં આવતા પીકઅપ સંપૂર્ણપણે કચડાઈ ગઈ. આ ઘટનાની જાણ શનિવારે સવારે થઈ, ત્યારબાદ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું.
ઉત્તર પ્રદેશઃ થાર ડૂબી, નદીઓ છલકાઈ; લખનઉ સહિત ૧૦ શહેરોમાં વરસાદ
યુપીમાં ચોમાસું જોરદાર વરસી રહ્યું છે. પશ્ચિમ યુપીમાં નદીઓ છલકાઈ ગઈ છે. ઘણી જગ્યાએ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે. શુક્રવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે લખનૌ, સુલતાનપુર, અયોધ્યા સહિત ૧૦ શહેરોમાં ભારે વરસાદ થયો. હાપુડમાં થાર પાણીમાં ડૂબી ગઈ હતી.




