હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક : 9,100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ
હર્ષ સંઘવીએ રૂબરૂ જઇ ભોગગ્રસ્ત પરિવારોને રૂ.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી કરી
- Advertisement -
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે 7 જુલાઈએ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને પૂર રાહત અંગે જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ ચૂકવણી પર રહ્યો છે. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રૂબરૂ જઇ ભોગગ્રસ્ત પરિવારોને કેશડોલ અને સહાયની રકમ ચૂકવી હતી.
જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને રૂ.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડીસાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી તંત્રની જુદી-જુદી ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું કે, દરેકને સહાય મળી રહે તે માટે સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી થયેલા સર્વે ઉપરાંત, જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે. કોઈપણ રહી ગયેલી સોસાયટી કે નાગરિક કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે, જેથી વહીવટી ટીમ તુરંત ત્યાં પહોંચીને સર્વેની કામગીરી પૂર્ણ કરશે. લોકોને રોજબરોજના જીવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વૈકલ્પિક સહાય ડે-એન્ડ-નાઇટ કામગીરી કરીને ચૂકવવામાં આવી રહી છે.




