શૈલેષ સગપરિયા : શૈલવાણી
ન્યુટનનો એક મિત્ર એક દિવસ ન્યુટનને મળવા માટે આવ્યો. ન્યુટને આ સમય દરમિયાન સૌરમંડળનું સરસ મજાનું મૉડલ બનાવ્યું હતું. પેલો મિત્ર આ મૉડલને ધ્યાનથી જોતો હતો અને ન્યુટન બાજુમાં બેસીને કંઈક લખી રહ્યા હતા. પેલા મિત્રે સૌરમંડળના આ મૉડલનું હેન્ડલ ફેરવ્યું અને બ્રહ્માંડ ફરવા લાગ્યું. બધાં જ ગ્રહો પોતાના પરિભ્રમણ પટ્ટામાં એકબીજાથી યોગ્ય અંતરે યોગ્ય રીતે ફરી રહ્યા હતાં. પેલો મિત્ર તો થોડીવાર અવાચક બનીને જોઈ જ રહ્યો.
એણે આશ્ચર્ય સાથે ન્યુટનને પૂછ્યું, “યાર, આ મસ્ત મૉડલ કોણે બનાવ્યું છે ?”
ન્યુટને વાંચતા વાંચતા જ જવાબ આપ્યો, “કોઈએ નહીં.”
પેલાને થયું કે કાં તો ન્યુટનને સંભળાયું નથી અને કાં સમજાયું નથી એટલે બીજીવાર પૂછ્યું, “ભાઈ, હું તને એ પૂછું છું કે, આ બ્રહ્માંડનું આવું સરસ મૉડલ કોણે બનાવ્યું છે?” ન્યુટને ફરીથી એ જ જવાબ આપ્યો કે, “કોઈએ નહીં.”
હવે પેલા મિત્રથી ન રહેવાયું એટલે એણે ગુસ્સા સાથે કહ્યું, “અરે ! કેવી ગાંડા જેવી વાત કરે છે. કોઈએ નથી બનાવ્યું તો આ મૉડલ આપોઆપ બની ગયું છે ? કોઈક તો હશે ને જેને આ મૉડલ બનાવ્યું હોય ?”
ન્યુટને ભગવાનમાં ન માનનારા અને ‘બ્રહ્માંડની રચના માત્ર એક ધડાકાથી થયેલી છે,’ એવો મત ધરાવતા આ મિત્રને કહ્યું, “મારા વ્હાલા દોસ્ત, આ એક નાનું મશીન પણ કોઈકે તો બનાવ્યું જ છે એનો તને પૂરેપૂરો વિશ્વાસ છે; અને આવડું મોટું વાસ્તવિક બ્રહ્માંડ માત્ર એમ જ બની ગયું છે એવું તું માને છે. આ બ્રહ્માંડના રમકડાનો કોઈક સર્જક છે તો શું આ વાસ્તવિક બ્રહ્માંડ એમ જ બની ગયું હશે?”
આ એક જ ઘટનાએ પેલા મિત્રના મનમાં ગજબનું તોફાન મચાવ્યું અને એ તોફાન એને ઈશ્વરના અસ્તિત્વ પ્રત્યેની દૃઢ આસ્થા તરફ ખેંચી ગયું.
ઈશ્વરમાં ન માનવું તે માણસ ધારે તેના કરતા ઘણું મુશ્કેલ છે. – આંદ્રે જિદ




