34 લાખનું સોનું, 4.50 લાખની ચાંદી, 15 લાખ રોકડા, ડાયમંડ, સોનાનું બ્રેસલેટ જપ્ત
રેલવે પોલીસ મથકના પીઆઇ રાણા, પીએસઆઈ જાડેજા અને ટીમની કામગીરી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી ગઇકાલે રેલવે પોલીસે રોકડ, સોના-ચાંદીના જુથ્થા સાથે વેરાવળના જુના કુંભારવાડામાં રહેતા રસિકલાલ છોટાલાલ જગડા ઉ.65ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 59.27 લાખની મત્તા શંકાસ્પદ હાલતમાં મળી આવતા કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે રેલવે પોલીસ મથકના પીઆઇ એચ એમ રાણાની રાહબરીમાં સ્ટાફ ભક્તિનગર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો ત્યારે રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી રસિકલાલ ઉતરતા રેલવે પોલીસે તેમની પાસે રહેલા સામાનની તલાશી લેતાં અંદરથી ચાંદીના બે ઢાળીયા, સોનાના અલગ-અલગ દસ ટુકડા, ડાયમંડનું બ્રેસલેટ, સોનાનું બ્રેસલેટ, 14.95 લાખ રોકડા મળી આવ્યા હતા. જેના આધાર પુરાવા અને જીએસટીના બિલ રજૂ નહીં કરી શકતા પીએસઆઈ બી.જે.જાડેજાએ આ તમામ મત્તા શક પડતી મિલ્કત તરીકે કબજે કરી હતી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, રસિકલાલ છેલ્લા દસ વર્ષથી વેપારીઓના સોના-ચાંદીના ઢાળીયા રાજકોટના વેપારીઓને પહોંચાડવાનું કામ કમિશન લઇ કરે છે. આ ઉપરાંત રોકડ રકમ પહોંચાડવાનું કામ પણ કરે છે. અલગ- અલગ વેપારીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળીયા રાજકોટના છએક વેપારીઓને પહોંચાડવાના હતા. આ ઉપરાંત સોની બજારના એક વેપારીને 14.95 લાખ પહોંચાડવાના હતા. જેથી ટ્રેનમાં રાજકોટ આવતા રેલવે પોલીસની ઝપટે ચડી ગયા હતા. રેલવે પોલીસે તેમનું નિવેદન નોંધી આગળની તપાસ જારી રાખી છે.




