બેટ દ્વારકાધીશ મંદિરના સંચાલનમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના ગંભીર આક્ષેપો : SIT તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અરજદારે અનેક સરકારી વિભાગો સમક્ષ અગાઉ પણ કરી હોવાનો દાવો
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આવેલા પૌરાણિક અને હિન્દુ આસ્થાના કેન્દ્ર ગણાતા દ્વારકાધીશજી મંદિરના સંચાલન સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દ્વારકાના રહેવાસી અને યજમાનવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ કરતા ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત અરજી પાઠવી બેટ દેવસ્થાન સમિતિ સંચાલિત મંદિરના વહીવટ, નાણાકીય વ્યવહારો અને સંપત્તિ વ્યવસ્થાપનમાં વ્યાપક ભ્રષ્ટાચાર તથા કૌભાંડ થયાના આક્ષેપો સાથે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની માંગણી કરવામાં આવી છે. અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે બેટ દ્વારકાધીશ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. ભગવાનના રાણીવાસ તરીકે ઓળખાતું આ પૌરાણિક મંદિર તેમજ તેની આસપાસ આવેલા આશરે 20 જેટલા નાના-મોટા મંદિરોનું સંચાલન બેટ દેવસ્થાન સમિતિ નામના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અરજદારના જણાવ્યા અનુસાર ટ્રસ્ટના સંચાલનમાં વર્ષોથી અનેક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના બનાવો સામે આવ્યા હોવા છતાં સંબંધિત વિભાગોએ યોગ્ય કાર્યવાહી કરી નથી.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટના મોટા ભાગના ટ્રસ્ટીઓ બહારગામના હોવાથી સ્થાનિક ટ્રસ્ટીઓ અને વહીવટદારો દ્વારા તેમની ખોટી સહીઓ કરીને નાણાકીય અને બેન્કિંગ વ્યવહારો કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે SIT દ્વારા દસ્તાવેજી અને નાણાકીય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અરજદારે વધુમાં દાવો કર્યો છે કે દ્વારકાધીશજી મંદિર અને અન્ય મંદિરોમાં વર્ષોથી રહેલા સોના-ચાંદીના દાગીના, કિંમતી રત્નો અને ધાર્મિક સંપત્તિનો કોઈ સ્પષ્ટ હિસાબ ઉપલબ્ધ નથી. આ કિંમતી દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે અથવા તેમની સાથે કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે અંગે તપાસ થવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ભૂકંપ બાદ મંદિરના પુનઃનિર્માણ અને રિનોવેશન દરમિયાન જૂના લાકડાં અને અન્ય કિંમતી સામગ્રીના ઉપયોગ અને નિકાલ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારે આ સામગ્રી ક્યાં ગઈ અને તેનો હિસાબ શું છે તેની પણ SIT તપાસ કરાવવાની માંગણી કરી છે.
અરજીમાં ટ્રસ્ટની સ્થાવર મિલ્કતો અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટ્રસ્ટની અનેક મિલ્કતો જાહેર ટ્રસ્ટ રજીસ્ટરમાં નોંધાયેલ નથી તેમજ કેટલીક મિલ્કતો ભાડે આપવામાં આવી હોવા છતાં તેના આવક-વ્યયનો સ્પષ્ટ હિસાબ ઉપલબ્ધ નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં ટ્રસ્ટને નુકસાન થાય તે રીતે મિલ્કતો અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને સોંપી દેવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે ભૂકંપ બાદ ટ્રસ્ટની કેટલીક જમીનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના વિવિધ સંસ્થાઓને ફાળવવામાં આવી હતી. તેમાં ગરીબ અને જરૂરિયાતમંદોને લાભ આપવાના બદલે પ્રભાવશાળી અને સક્ષમ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
મંદિર પરિસરમાં ચંપલ સ્ટેન્ડ, મોબાઇલ સ્ટેન્ડ, ગૌદાન અને મંદિરના રિનોવેશન માટે એકત્ર કરવામાં આવેલા દાનની રકમના હિસાબોની પણ સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. અરજીમાં કેટલાક ટ્રસ્ટીઓ સામે સરકારી જમીન પર દબાણ, ગૌચર જમીનના ઉપયોગ તેમજ અન્ય કાનૂની વિવાદો સાથે સંબંધિત આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કેટલાક ટ્રસ્ટીઓ સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ અને કાનૂની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે દાવો કર્યો છે કે તેમણે અગાઉ સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ SITની રચના કરીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે અને સંબંધિત ટ્રસ્ટ અથવા ટ્રસ્ટીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. તપાસ એજન્સીઓ અથવા સરકાર દ્વારા તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થઈ શકશે.




