બીજા દિવસે સાથી શ્રમીકે ફોન-પર્સ આપ્યા, લાશ મળતા જ પરપ્રાંતીય શ્રમિક ભાગી ગયો
અજુગતું બન્યું હોવાની પિતાએ શંકા દર્શાવતા લોધીકા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું
- Advertisement -
રાજકોટના મવડીમાં ક્રિષ્ના પાર્કમાં રહેતો ચેતન શશીકાંતભાઇ દેવગાણીયા ઉ.25 નામનો યુવાન બુધવારે સવારે લોધીકાના રાવકી ગામે કંપનીમાં કામે જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો ગઇકાલે તેની લાશ કંપની નજીક આવેલી ખાણમાંથી મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં લોધીકા પોલીસે પંચનામુ કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો મૃતક ચેતન વૃધ્ધ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતો. તે અપરિણીત હતો.
મૃતકના પિતા શશીકાંતભાઇના જણાવ્યા પ્રમાણે દિકરો છએક મહિનાથી રાવકીની કોઇ કંપનીમાં વીએમસી ઓપરેટર તરીકે નોકરીએ જતો હતો. તે રિક્ષામાં અપડાઉન કરતો હતો. બુધવારે સવારે તે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યો હતો. મોડી સાંજ સુધી તે ઘરે ન આવતાં અને તેનો ફોન પણ લાગતો નહોતો. મોડી રાત સુધી અમે ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ આવતો હોઇ તે કામ માટે રોકાઇ ગયો હશે અથવા સુઇ ગયો હશે તેમ માની લીધુ હતું. ગુરૂવારે બપોર બાદ મેં ફરીથી ફોન કરતા એ ફોન ચેતનના શેઠે ઉપાડયો હતો. તેણે અમને રાવકી આવવા કહ્યું હતું. અમે ત્યાં પહોંચ્યા હતાં અને ચેતન વિશે પુછતાં તેણે ચેતનનો ફોન અને પર્સ અમને આપીને કહ્યું હતું કે આ પર્સ-ફોન તેમને બીહારી કર્મચારી રાહુલે આપ્યાનું કહ્યું હતું અને રાહેુલને ત્યાં જ બેસાડી રાખ્યો હોઇ તેને પુછતાં તેણે કંપની નજીકની ખાણ પાસેથી આ વસ્તુ મળી હોવાનું કહ્યું હતું. આથી અમે તેને જગ્યા બતાવવા સાથે લઇ ગયા હતા. ત્યારે ખાણમાં પાણીમાં માત્ર માથુ દેખાતુ હોઇ મેં ખેંચીને બહાર કાઢતાં તે મારા દિકરાની લાશ હતી. આ લાશ જોતાં જ રાહુલ ભેૈયા દોટ મુકીને ભાગી જતાં અમને શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી. રાહુલે ભૈયો મારા દિકરા ચેતન સાથે જ કામ કરતો હતો. દિકરો અકસ્માતે પડી ગયો કે બીજુ કંઇ બન્યું? તે અંગે અમને શંકા છે. અમારો દિકરો ન્હાવા ગયો કે અકસ્માતે પડી ગયો હોય તો તેના ફોન-પર્સ બિહારી શખ્સ રાહુલ પાસે ક્યાંથી આવ્યા? તેની તપાસ કરવા રજૂઆત કરી છે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બીજી તરફ પ્રાથમિક તપાસમાં રાહુલ લપસી પડયાની માહિતી પોલીસને મળી હોઇ વધુ તપાસ થઇ રહી છે. એકના એક દિકરાના ભેદી મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.




