ટેક જગતમાં ફેરફાર : મશીનો લોકોની નોકરીઓ છીનવી લેશે, કમાણીની રીત પણ બદલાઈ જશે
ખાસ ખબર ન્યૂઝ નવી દિલ્હી
ટેક જગતના દિગ્ગજ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ભવિષ્યને લઈ એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મસ્કના જણાવ્યા અનુસાર, આગામી 4થી 5 વર્ષમાં એઆઈ ટેકનોલોજી એટલી હદે વિકસી જશે કે તે સમગ્ર માનવજાત કરતાં પણ વધુ વિચારવા અને સમજવાની ક્ષમતા મેળવી લેશે. એટલે કે, એઆઈ માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે. ઈલોન મસ્કે સંકેત આપ્યો છે કે એઆઈના કારણે ભવિષ્યમાં દુનિયાભરમાં કામ કરવાની અને કમાણી કરવાની જૂની પદ્ધતિઓ સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એઆઈ માત્ર સંશોધન અથવા સામાન્ય ઓટોમેશનના સાધન તરીકે કામ કરશે. પરંતુ મસ્કનો દાવો છે કે ભવિષ્યમાં ફેક્ટરીઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક જેવા મોટા ક્ષેત્રો માનવીય હસ્તક્ષેપ વગર, માત્ર એઆઈ અને રોબોટ્સ દ્વારા જ ચાલશે.
- Advertisement -
એઆઈનો વિકાસ લોકોની ધારણા કરતાં ઘણી વધુ ઝડપે થઈ રહ્યો છે
જ્યારે ઉત્પાદન અને સેવાઓનું મોટાભાગનું કામ મશીનો સંભાળી લેશે. ત્યારે પરંપરાગત નોકરીઓની અછત સર્જાશે. મસ્કે ચેતવણી આપી છે કે ‘નોકરી કરશો તો જ પૈસા મળશે’ એ જૂનો નિયમ આવનારા સમયમાં તૂટી શકે છે. આવી સ્થિતિમાં પરંપરાગત નોકરીઓ વગર પણ લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવશે અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ટકી રહેશે, તે સમાજ અને સરકારો માટે પડકાર બનશે. એઆઈનો વિકાસ લોકોની ધારણા કરતાં ઘણી વધુ ઝડપે થઈ રહ્યો છે, જે સમગ્ર વિશ્વના આર્થિક અને સામાજિક માળખાને બદલી નાખશે.




