મંત્રી જેઠવાભાઈએ હિસાબો રજૂ કર્યા અને પત્રકાર બુધાભા ભાટીએ દ્વારિકાધીશનો ઈતિહાસ વર્ણવ્યો
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
દ્વારકા તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા ગત રવિવાર, તારીખ 7-6-2026ના રોજ સવારે 10:00 કલાકે દ્વારકા સ્થિત ’ગોકુલ ભુવન’ ખાતે ઉત્સાહભેર યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર તાલુકા પેન્શનર મંડળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના પ્રમુખ સ્થાને રાજકોટના નિવૃત્ત જિલ્લા તિજોરી અધિકારી (ઉઝઘ) નરેન્દ્રભાઈ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઓખામંડળ પ્રેસ ક્લબના પ્રમુખ પત્રકાર બુધાભા ભાટી પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે 115 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળના પ્રમુખ વિજયભાઈ ભાયાણીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કારોબારી સમિતિના સભ્યો દ્વારા આમંત્રિત મહેમાનોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત વક્તાઓએ પેન્શનરોને મૂંઝવતા વિવિધ પ્રશ્ર્નો અને તેના ઉકેલો અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી. પ્રમુખ સ્થાનેથી નરેન્દ્રભાઈ વિઠલાણીએ પેન્શનને લગતા વિવિધ નિયમો અને ઉપયોગી બાબતોની વિસ્તૃત છણાવટ કરી સભ્યોને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.
સભાના દ્વિતીય ચરણમાં મંડળના મંત્રી જેઠવાભાઈએ ગત વર્ષનો પ્રગતિ અહેવાલ તથા વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો, જેને સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી. આ તકે પત્રકાર બુધાભા ભાટીએ ઉપસ્થિત સભ્યો સમક્ષ ઓખામંડળ અને દ્વારકાધીશ ભગવાનની ભવ્યતા અને ઈતિહાસની રસપ્રદ માહિતી રજૂ કરી હતી.
કાર્યક્રમના અંતે મંડળના સહ-મંત્રી રમેશભાઈ સમાણીએ સભાને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સભાની પૂર્ણાહુતિ બાદ તમામ સભ્યોએ સાથે મળીને રુચિપૂર્વક ભોજન લીધું હતું અને સ્નેહમિલન સાથે સૌ વિદાય થયા હતા.



