સ્વરાજના સ્થાપકને વિદેશમાં વંદન
મહારાષ્ટ્રના ‘બેને ઈઝરાયલ’ યહૂદી સમુદાય અને મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક સંબંધોને મળશે વૈશ્ર્વિક સન્માન
- Advertisement -
શિવાજી મહારાજનું શૌર્ય હવે ઈઝરાયલમાં પણ બનશે પ્રેરણાસ્ત્રોત, મરાઠી યહૂદીના હૃદયમાં આજે પણ જીવંત છે શિવાજી મહારાજ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા છે. હવે આ સંબંધોને વધુ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પરિમાણ મળવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ઈઝરાયલમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને અદમ્ય શૌર્યના પ્રતિક એવા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાની માહિતી સામે આવી છે. આ સમાચાર જાહેર થતાં જ સોશિયલ મીડિયા અને ઇતિહાસપ્રેમીઓમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે કે આખરે ઈઝરાયલ અને યહૂદી સમુદાયનો શિવાજી મહારાજ સાથે શું સંબંધ રહ્યો છે. આ ઐતિહાસિક સંબંધોના મૂળ મહારાષ્ટ્રના કોંકણ વિસ્તાર સાથે જોડાયેલા છે. અહીં સદીઓથી વસવાટ કરતો ‘બેને ઈઝરાયલ’ નામનો યહૂદી સમુદાય ભારતના સૌથી પ્રાચીન યહૂદી સમુદાયોમાંનો એક માનવામાં આવે છે. કહેવાય છે કે અનેક સદીઓ પહેલાં ભારતમાં આવેલા આ યહૂદીઓએ મહારાષ્ટ્રને પોતાનું ઘર બનાવ્યું હતું. તેમણે પોતાની ધાર્મિક ઓળખ જાળવી રાખવાની સાથે સ્થાનિક મરાઠી ભાષા, સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને પણ અપનાવી લીધી હતી. પરિણામે તેઓ ‘મરાઠી યહૂદી’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ છત્રપતિ શિવાજી મહારાજની ન્યાયપ્રિયતા, સર્વધર્મ સમભાવ અને સમાનતાના સિદ્ધાંતોના કારણે વિવિધ સમાજ અને ધર્મના લોકો તેમના સ્વરાજ સાથે જોડાયા હતા. જ્યારે શિવાજી મહારાજે કોંકણ અને આસપાસના વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્યનો પાયો મજબૂત બનાવ્યો ત્યારે ‘બેને ઈઝરાયલ’ સમુદાયના અનેક સભ્યોએ પણ સૈન્ય અને વહીવટી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાસ કરીને મરાઠા નૌકાદળ, દરિયાઈ સુરક્ષા અને કિલ્લાઓના સંરક્ષણમાં આ સમુદાયના યોદ્ધાઓ અને અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની વફાદારી, કાર્યકુશળતા અને બહાદુરીને માન્યતા આપતાં શિવાજી મહારાજે તેમને વહીવટ અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી. આ કારણે મરાઠા સામ્રાજ્ય અને યહૂદી સમુદાય વચ્ચે વિશ્વાસ અને પરસ્પર સન્માનનો મજબૂત સંબંધ વિકસ્યો હતો.
ભારતની આઝાદી બાદ અને ઈઝરાયલ રાજ્યની સ્થાપના પછી મહારાષ્ટ્રના ‘બેને ઈઝરાયલ’ સમુદાયના હજારો લોકો ઈઝરાયલમાં જઈને વસ્યા હતા. જોકે, પેઢીઓ વીતી જવા છતાં તેઓ આજે પણ પોતાની મરાઠી ઓળખ અને ભારતીય મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ઈઝરાયલમાં અનેક પરિવારો હજુ પણ મરાઠી ભાષા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. આ સંજોગોમાં ઈઝરાયલની ધરતી પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના માત્ર એક સ્મારક પ્રકલ્પ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને યહૂદી સમુદાય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને આપવામાં આવતું વિશિષ્ટ સન્માન માનવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા ભારત અને ઈઝરાયલ વચ્ચેની મિત્રતા, સાંસ્કૃતિક સમન્વય અને પરસ્પર આદરનું પણ પ્રતીક બનશે.
વિશ્લેષકોના મતે આ પહેલ એ સંદેશ આપે છે કે છત્રપતિ શિવાજી મહારાજનું વ્યક્તિત્વ અને તેમની સ્વરાજની વિચારધારા માત્ર એક પ્રદેશ કે એક સમુદાય સુધી મર્યાદિત નહોતી. તેમના શાસનમાં દેશપ્રેમ, ન્યાય, સમાનતા અને તમામ સમાજોને સન્માન આપવાના મૂલ્યોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ઈઝરાયલમાં તેમની પ્રતિમાની સ્થાપના એ જ મૂલ્યોને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી માન્યતા અને સન્માનનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.



