વંથલીના સાંતલપુર પાસે અકસ્માત: લોકો મૃતદેહ પોલીસ સ્ટેશને લઈને પહોંચ્યા, સામસામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં 30 મેના રોજ એક ડમ્પરે બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પાછળ બેસેલા આધેડ મહિલાનું પુત્રની નજર સામે જ કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી ચાલકને બેરહેમપણે માર મારતા મામલો ગરમાયો હતો. આ સમગ્ર ઘટના અંગે વંથલી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કણજા ગામના 29 વર્ષીય ઉમેશભાઈ કિશોરભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની મોટરસાયકલ પર માતા સવિતાબેન અને 6 વર્ષના પુત્ર શિવમ સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપલેટાના પ્રકાશભાઈ ભેડા નામના ચાલકે ડમ્પર જીજે 03 બીઝેડ 3339 બેફામ ગતિએ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સવિતાબેન નીચે પટકાતા ડમ્પરનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, ઈજાગ્રસ્ત ડમ્પર ચાલક પ્રકાશભાઈ ભેડાએ પણ હોસ્પિટલમાંથી વંથલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ સાંતલપુર ગામના કાચા રસ્તા પર સ્થાનિકો અને અજાણ્યા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગેરકાયદે મંડળી રચી, તેમને ગાળો આપી, લાકડાના ધોકા અને કુહાડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તોફાની તત્વોએ રેતી ભરેલા ટ્રકને આગ લગાડી સંપૂર્ણપણે સળગાવી દીધો હતો. પોલીસે બાબુભાઈ, જગાભાઈ, રાજુભાઈ અને રવિ ભુવા સહિતના 7થી 10 લોકોના ટોળા સામે હુલ્લડ અને હુમલાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓ મૃતદેહને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જોકે, વંથલી પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.



