મનપાનું કાગળ પરનું ચોમાસું: પ્રિ-મોન્સૂન કામગીરીમાં સબ સલામત હોવાના દાવા
પ્રિ-મોનસૂનની કામગીરી મુલાકાત અને વાસ્તવિકતા જુદી, દબાયેલા વૉંકળા વૃક્ષો અને કચરાથી જામ
- Advertisement -
કમિશનરને ગેરમાર્ગે દોરતા અધિકારીઓ સામે જનરોષ, ચોમાસું જૂનાગઢવાસીઓ માટે મુશ્કેલીના એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું સમય કરતાં ઘણું વહેલું બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે રાજ્યના કેટલાય ભાગોમાં પ્રિ-મોનસૂન વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપા દ્વારા કરોડો અને લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે. તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પણ જૂનાગઢના વોંકળાઓ અને ગટર વ્યવસ્થાની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં શહેરના નાના-મોટા વોંકળાઓ અને ગટર લાઈનોની સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરે છે. સત્તાધીશો અને એન્જિનિયરોની ફોજ દર વખતે સબ સલામત હોવાના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ કંઈક જુદી છે. શહેરમાં ચાલતી આ લૂલી પ્રિ-મોનસૂન કામગીરી મુદ્દે જ્યારે વાસ્તવિક તપાસ કરવામાં આવી, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને શહેરના હાર્દ સમાન અને સતત ધમધમતા ઝાંઝરડા રોડ પર આવેલા મુખ્ય વોંકળાની સફાઈ અંગે જે તસવીરો અને હકીકત સામે આવી છે, તે મનપાના દાવાઓની પોલ ખોલવા માટે કાફી છે. ઝાંઝરડા રોડના આ મુખ્ય વોંકળામાં અતિશય પ્રમાણમાં પ્લાસ્ટિક, ઘરગથ્થુ કચરો અને ગંદકીના ગંજ ભરાયેલા પડ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વોંકળાની અંદરની પ્રોટેક્શન દીવાલોમાં મોટા-મોટા ઝાડી-ઝાંખરા અને વૃક્ષો ઉગી નીકળ્યા છે. આ ઝાડીઓ અને કચરાના કારણે ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે રૂંધાઈ જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો પ્રથમ વરસાદે જ આ કચરો સાફ નહીં થાય, તો આખું પાણી રોડ પર અને આસપાસની સોસાયટીઓમાં ઘૂસી જશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં આવ્યા છે અને આગામી ચોમાસાને ધ્યાને રાખીને શહેરમાં પ્રિ-મોનસૂન કામગીરી બાબતે જાતે સ્થળ નિરીક્ષણ (ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન) કરી રહ્યા છે તેમજ બેદરકાર કર્મચારીઓને કડક સૂચનાઓ પણ આપી રહ્યા છે. પરંતુ, અહીં મનપાના પીઢ અને રીઢા અધિકારીઓની નકારાત્મક ભૂમિકા સામે આવી છે.
સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, કમિશનર પ્રભવ જોશીને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ ન આવે તે માટે મનપાના એન્જિનિયરો અને સેનિટરી શાખાના વડાઓ તેમને માત્ર એવા જ સ્થળોએ લઈ જાય છે જ્યાં ઉપરછલ્લી સફાઈ બતાવી શકાય. જ્યાં ખરેખર સઘન નિરીક્ષણ અને મોટા મશીનો દ્વારા સફાઈની જરૂર છે, તેવા સ્થળો પર મનપાના અધિકારીઓ કમિશનરને લઈ જતા જ નથી અથવા તો જાણીજોઈને સત્ય છુપાવવા માંગે છે. નવનિયુક્ત કમિશનરની ઉત્સાહી વહીવટી શૈલીને જૂના અધિકારીઓ લૂણો લગાડી રહ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.
જો જૂનાગઢ શહેરમાં ઢંગધડા વગરની અને કાગળ પર ચાલતી પ્રિ-મોનસૂન કામગીરી ચાલુ રહેશે, તો આગામી ચોમાસાની સીઝનમાં સ્થાનિક રહીશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. દર વર્ષે ઉપરકોટ તથા તળેટીથી અને ગિરનારના પહાડોમાંથી આવતું લાખો લીટર પાણી આ જ વોંકળાઓ મારફતે શહેર બહાર નીકળે છે. જો કાળવા નદી અને ઝાંઝરડા જેવા વિસ્તારના વોંકળા સાફ નહીં થાય, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું મહાનગરપાલિકા માત્ર પ્રિ-મોનસૂનના નામે લાખો રૂપિયાના ટેન્ડરો પાસ કરીને આવી કામગીરી કરવા માંગે છે? શું કમિશનર પોતાની ટીમ સિવાયના તટસ્થ સોશિયલ મીડિયા કે મીડિયા અહેવાલો જોઈને આ બાબુઓ સામે કડક પગલાં ભરશે ખરા? હજુ પણ સમય છે, ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસોની વાર છે ત્યારે કમિશનર પ્રભવ જોશીએ જૂનાગઢના નાગરિકોના હિતમાં પોતે અંગત રસ લઈ, કોઈના દોરવાયા વગર ઝાંઝરડા રોડ, જોષીપુરા, અને મધુરમ જેવા વિસ્તારોના વોંકળાઓની યુદ્ધના ધોરણે સફાઈ કરાવવી જોઈએ, જેથી આ વર્ષે જૂનાગઢની જનતાને પૂર અને ગંદકીના પ્રકોપમાંથી બચાવી શકાય.
- Advertisement -
વિપક્ષ નેતા અને કોંગ્રેસ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે સવાલો ઉઠાવ્યા
જૂનાગઢ શહેરમાં વરસાદના આગમન પૂર્વે મહાનગર પાલિકા દ્વારા થતી પ્રિ-મોનસૂન કામગીરી મુદ્દે સવાલો ઉઠાવી કમિશનરને એક આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે, શહેરમાં જે રીતે પ્રિ-મોનસૂન કામગીરી થવી જોઈએ તે રીતે થતી નથી. શહેરમાં જે રીતે કામગીરી ચાલી રહી છે, તેમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. અગાઉ પણ શહેરમાં ભારે વરસાદના લીધે ખુબ મોટાપાયે નુકશાની અને ઘરવખરી તણાઈ ગઈ હતી આવા અનેક પ્રશ્ને કોંગ્રેસ અને વિપક્ષ નેતા દ્વારા મહાનગર પાલિકા સામે વિરોધ કરીને શહેરના હિતમાં યોગ્ય નિર્ણય લઈને કામગીરી કરવાની માંગ કરી છે.
ચોમાસુ માથે છે એવા સમયે હજુ શહેરમાં રોડ-રસ્તાની કામગીરી શરુ
જૂનાગઢ શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણી લાઈનો અને ગેસ લાઈન સહિત કામગીરી ખૂટતી જ નથી એક બાજુ ચોમાસા ઋતુ બેસવાની તૈયારી છે એવા સમયે હજુ શહેરમાં અનેક રોડ-રસ્તાની કામગીરી જોવા મળી રહી છે. ત્યારે જો વરસાદના આગમન પૂર્વે કામગીરી અધૂરી રહેશે તો વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે અને શહેરમાં વાહનો ખૂંપવાના બનાવમાં વધારો થશે.



