વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક
લેબર કોન્ટ્રાક્ટર પ્રવિણ ઉકેડિયાએ ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા ₹4.50 લાખ સામે ₹35 લાખથી વધુ ચૂકવ્યા
- Advertisement -
મોટરસાયકલ અને પત્નીના દાગીના પડાવી લીધા છતાં વધુ નાણાં માટે પઠાણી ઉઘરાણી: પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
મોરબી જિલ્લામાં વ્યાજખોરોને ડામવા પોલીસના કડક પગલાં છતાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે વ્યાજખોરીની ગંભીર ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 26 વર્ષીય પ્રવિણભાઇ હરખાભાઈ ઉકેડિયાએ મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરોના ત્રાસથી જમીન, મકાન અને પત્નીના સોનાના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ રકમ કરતાં દસ ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, પ્રવિણભાઈએ આરોપી અજય રમેશભાઈ અબાસણીયા પાસેથી ₹3 લાખ ઊંચા વ્યાજે લીધા હતા, જેની સામે વ્યાજ-મુદ્દલ પેટે ₹30 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ છરી અડાડી વધુ ₹5 લાખ પડાવી લીધા હતા અને હજુ ₹3 લાખની ઉઘરાણી કરતો હતો. આ સિવાય આરોપી બિજલભાઈ ઉર્ફે ભોજાભાઈ ગીંગોરા પાસેથી ₹1.50 લાખ સામે ₹5 લાખ ચૂકવ્યા છતાં આરોપીએ ધમકી આપી પ્રવિણભાઈનું ₹98,681નું બાઈક પડાવી લીધું હતું. જ્યારે ત્રીજા આરોપી હિતેશભાઈ મગનભાઈ પટેલે બેંકમાંથી દાગીના છોડાવવા લોન આપ્યા બાદ પત્નીના સાડા ત્રણ તોલાના સોનાના દાગીના પડાવી લઈ વધુ ₹8 લાખની માંગણી કરી હતી. પોલીસે ત્રણેય વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



