છેલ્લા પંદર દિવસમાં કુલ ત્રણ યુવાનોના મોત: તંત્ર મૂકપ્રેક્ષક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
ચોટીલાના પાંજવાળી ગામે રહેતો 20 વર્ષીય સંજય 5ન્તાભાઈ સુરેલા બુધવારે બપોરે ઘરેથી ગયા બાદ સાંજ સુધી પરત નહી ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજે યુવકનું બાઈક, મોબાઈલ, ચાર્જર સહિતની ચીજ વસ્તુઓ થાન-ચોટીલા રોડ પર આવેલા તાલુકાના વાવડી ગામ પાસે પાણી ભરેલા ગેરકાયદે ખાણ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યાહતા. પરિવારજનોએ યુવકખાણમાં ડૂબ્યો હોવાની આશંકાઓને ધ્યાને લઈ સ્થાનિક તંત્ર તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. આથી ચોટીલા પાલિકાની ફાયર ફાયટર ટીમે સ્થળ પર પહોંચી રાત સુધી ખાણમાં યુવકની શોધખોળ હાથધરી હતી પરંતુ કોઈ જ પતો લાગ્યો નહોતો અને અંતે અંધારું થઈ જતા પાલિકાની ફાયર ફાયટર ટીમ પરત ફરી હતી. જ્યારે બીજે દિવસે ગુરુવારે સવારે યુવકના પરીવારજનો અને સ્થાનિક તંત્ર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની ફાયર ફાયટર ટીમને કરવામાં આવતા ટીમ દ્વારા આધુનિક સાધનો વડે ખાણમાં યુવક ડુબ્યો હોવાની આશંકાને લઈ ચોટીલા પોલીસ, મામલતદાર સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓની હાજરીમાં શોધખોળ હાથ ધરી હતી. સવારથી બપોર સુધીની ભારે જહેમત બાદ અંતે બપોરના 2.20 વાગ્યાની આસપાસ ખાણમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પી.એમ. અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે 20 વષીય યુવકના ખાણમાં ડુબી જવાથી મોત નિપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગેરકાયદે ખાણોમાં મોત થવાનો મામલો દબાવી દેવાય છે
થાન, ચોટીલા અને સાયલા તાલુકાના પેટાળમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ખનીજ સંપત્તિ ધરબાયેલી છે. ભૂમાફિયાઓ કરોડો રૂપિયાનું ખનીજ ખોદી ખાડાઓ ખુલ્લી છોડી દેતાં તેમાં પાણી ભરાઈ જાય છે. માટીને લીધે નીચે તળિયે 12થી 15 ફૂટનો કાદવ થઈ જાય છે. ખાણની ઉંચાઈ વધુ હોવાથી યુવકો ભૂસકો મારતાની સાથે જ સીધો કાદવમાં ખૂંપાઈ જાય છે. અગાઉ પણ યુવકો અને પશુઓ આવા ખાડામાં પડી જતાં મોત નિપજ્યા છે. પરંતુ 70થી 80 ટકા ગેરકાયદે ખાણોમાં રાજકીય માથાઓનો પણ હાથ હોવાથી મામલા કાદવમાં જ ખૂંપાઈને રહી જાય છે.
ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ચકકાજામ કરી વિરોધ કર્યો
ચોટીલાના પાંજવાળી ગામનો યુવક સંજય સુરેલા ઘરે થી ગયા બાદ લાપતા થતા અને ખાણમાં ડુબી ગયો હોવાની આશંકા બાદ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતા યુવકનો પતો નહી લાગતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા થાન-ચોટીલા રોડ પર વાવડી ગામના પાટિયા પાસે ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ કર્યો હતો. જેને પગલે ચોટીલા પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.



