સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી 1000 કંપનીઓના લાઈસન્સ રદ્દ થશે: 10.8 અબજ ડોલરના પનીર માર્કેટમાં નકલીનો દબદબો રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની મંજૂરી, નવા લાઈસન્સ પર લાગશે બ્રેક
₹250માં મળતું પનીર ટાઇપ-2 ડાયાબિટીસનું નોતરું: પ્રોટીનના નામે ઝેર પીરસતી કંપનીઓ પર કાર્યવાહી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત દુનિયાનો સૌથી મોટો ડેરી ઉત્પાદક દેશ હોવા છતાં, હાલમાં દેશના બજારમાં નકલી અને કૃત્રિમ ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત ગણાતા પનીરમાં મોટાપાયે ભેળસેળ અને કૃત્રિમ પદ્ધતિઓનો ઉપયોગ સામે આવતા હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી (ઋજજઅઈં) એ એક ઐતિહાસિક નિર્ણય લેતા બજારમાં વેચાતા કૃત્રિમ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ નિર્ણયનો હેતુ સામાન્ય જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો અને ડેરી ઉદ્યોગની ગુણવત્તા જાળવી રાખવાનો છે.
આ ગંભીર મુદ્દા પર વિચારણા કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ઓક્ટોબર 2025માં કૃત્રિમ પનીરના નુકસાન અંગેનો એક વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. તાજેતરમાં માર્ચ 2026માં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. સમિતિના અહેવાલ મુજબ, બજારમાં મળતું કૃત્રિમ પનીર દેખાવમાં અને સ્વાદમાં અસલી પનીર જેવું જ લાગે છે, જેના કારણે ગ્રાહકો છેતરાય છે. હવે આ પ્રકારના પનીરને તબક્કાવાર રીતે બજારમાંથી બહાર કરવામાં આવશે.
દેશમાં હાલમાં અંદાજે 1000 જેટલી કંપનીઓ પાસે કૃત્રિમ પનીર અથવા એનાલોગ પનીર બનાવવાની પરવાનગી કે લાઈસન્સ છે. નવી નીતિ મુજબ, હવેથી કોઈપણ નવી કંપનીને કૃત્રિમ પનીર બનાવવા માટે લાઈસન્સ આપવામાં આવશે નહીં. જે કંપનીઓ પાસે હાલમાં લાઈસન્સ છે, તેમને તેમનો જૂનો સ્ટોક ખાલી કરવા અને ઉત્પાદન યુનિટ બંધ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા (ગ્રેસ પીરિયડ) આપવામાં આવશે. ત્યારબાદ જો કોઈ કંપની કૃત્રિમ પનીરનું ઉત્પાદન કે વેચાણ કરતા પકડાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બજારમાં અસલી બ્રાન્ડેડ પનીરની કિંમત સામાન્ય રીતે કિલો દીઠ રૂ. 450ની આસપાસ હોય છે. તેની સામે કૃત્રિમ પનીર માત્ર રૂ. 250થી 300માં ખુલ્લા બજારમાં ઉપલબ્ધ છે. ઓછી કિંમતના લાલચમાં હોટલો, રેસ્ટોરાં અને સામાન્ય નાગરિકો આ પનીર ખરીદે છે, જે ખરેખર સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કૃત્રિમ પનીર બનાવવામાં કેમિકલ્સ અને વનસ્પતિ ફેટનો ઉપયોગ થાય છે, જેમાં પ્રોટીનનું પ્રમાણ નહિવત હોય છે. તેના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે, જે લાંબા ગાળે ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ અને પાચનતંત્રની ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.
ભારતમાં પનીરનો વપરાશ ઉત્તરોત્તર વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં પનીર એ દરેક પ્રસંગની શાન ગણાય છે. હાલમાં ભારતીય પનીર માર્કેટ અંદાજે 10.8 અબજ ડોલરનું છે. આઈએમએઆરસી (ઈંખઅછઈ) ના અહેવાલ મુજબ, વર્ષ 2036 સુધીમાં આ બજાર વધીને 22.1 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. આટલા મોટા આર્થિક વ્યવહારો ધરાવતા ક્ષેત્રમાં જો નકલી પનીરનો દબદબો રહે તો તે અર્થતંત્ર અને જનસ્વાસ્થ્ય બંને માટે ખતરારૂપ છે. આથી જ સરકાર આ મામલે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.
સરકારના આ કડક વલણને કારણે આગામી દિવસોમાં હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. ગ્રાહકોને પણ આગ્રહ કરવામાં આવે છે કે તેઓ માત્ર વિશ્વાસપાત્ર ડેરી કે બ્રાન્ડેડ પેકેજ્ડ પનીરનો જ આગ્રહ રાખે, જેથી સસ્તાના ચક્કરમાં પોતાના કિંમતી સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે.



