રાજકોટ ગ્રાહક ફોરમનો મહત્વપૂર્ણ ચુકાદો
ગ્રાહકે રૂ.6 લાખનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ લીધુ હતુ જેમાં ગર્ભાશયમાંથી ગાંઠ દૂર કરવા ઓપરેશન કરાવ્યું હતું
- Advertisement -
‘ઇનફર્ટીલિટી’નો ખોટો આધાર બતાવી વીમા કંપનીએ ગ્રાહકનો ક્લેઈમ રદ કર્યો હતો
ગ્રાહક તરફેણમાં ચુકાદો આપતાં કંપનીને રૂ.95,936 વ્યાજ સાથે ખર્ચ ચૂકવવા હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા સમયગાળામાં વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોના ક્લેઈમ નકારવાના કિસ્સાઓ વધતા જતા હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ગ્રાહકના હકમાં વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અન્ય ગ્રાહકો માટે પણ ન્યાયની દિશામાં એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ નિવાસી કોમલબેન રાઠોડે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ.6 લાખનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ લીધું હતું. દરમિયાન, તેમને ગર્ભાશયમાં ગાંઠની તકલીફ સર્જાતા તા.29 માર્ચ 2024થી 31 માર્ચ 2024 સુધી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવી પડી હતી. આ સારવાર પાછળ કુલ રૂ.95,936નો ખર્ચ થયો હતો. પરંતુ સારવાર બાદ ક્લેઈમ રજૂ કરતા ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ તા.23 મે 2024ના રોજ પત્ર પાઠવી ક્લેઈમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ પોતાના નિર્ણયમાં દર્શાવ્યું હતું કે આ સારવાર ‘ઇનફર્ટીલિટી’ સંબંધિત હોવાથી પોલિસી હેઠળ આવતી નથી.
આ નિર્ણય સામે ફરિયાદી દ્વારા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા હતા. ફરિયાદીના સારવારકર્તા ડોક્ટરે તા.10 એપ્રિલ 2024 અને તા.29 મે 2024ના રોજ સ્પષ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું કે આ સારવાર ઇનફર્ટીલિટી માટે નહોતી, પરંતુ ગર્ભાશયના ગાંઠ માટે હતી. આયોગે મેડિકલ સાયન્સના અભિપ્રાય અને પુરાવાઓના આધારે નોંધ્યું હતું કે કંપની દ્વારા અપાયેલું કારણ તથ્યવિહોણું, ભૂલભરેલું અને સેવા ખામી સમાન છે. આ કેસમાં આયોગના પ્રમુખ પી.સી. રાવલ અને સભ્ય એમ.એસ. ભટ્ટે તા.5 માર્ચ 2026ના રોજ ગ્રાહકના હકમાં ચુકાદો આપ્યો હતો.
ચુકાદા મુજબ, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે ફરિયાદીને રૂ.95,936ની રકમ તા.21 નવેમ્બર 2024થી 6 ટકા વ્યાજ સાથે બે માસની અંદર ચૂકવવી પડશે. વધુમાં, જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી નહીં થાય તો 9 ટકા વ્યાજ દરે રકમ ચૂકવવાની રહેશે. આ ઉપરાંત, ગ્રાહક ફોરમે ફરિયાદના ખર્ચ પેટે વધારાના રૂ.5,000 પણ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા સાથે ફોરમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી પ્રીમિયમ વસૂલ્યા બાદ ક્લેઈમ ચૂકવવામાં આનાકાની કરવી કે ખોટા કારણો બતાવી નકારવું સહન કરવામાં નહીં આવે. આ કેસમાં રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, એડવોકેટ મનોજભાઈ કોટડિયા અને એડવોકેટ કિરીટભાઈ માવદિયા દ્વારા ફરિયાદીની તરફેણમાં દલીલો કરવામાં આવી હતી.



