બાલા હનુમાન ગ્રુપના 11,145 બોટલ રક્તદાન વિશ્ર્વવિક્રમની સાર્વજનિક સરાહના
વિશ્ર્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દરેક જિલ્લાઓમાં સંગઠન મજબૂત કરવાનું લક્ષ્ય: પરંપરાગત કૌશલ્ય સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય પર ભાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુદામાપુરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પવિત્ર જન્મભૂમિ એવા પોરબંદરના દરિયાકિનારે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુવર્ણ અધ્યાય આલેખાયો છે. પોરબંદરની ચોપાટી સ્થિત નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ’વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન’માં સમગ્ર ગુજરાતના વિશ્વકર્મા વંશજોએ પોતાની અતૂટ એકતા અને સંગઠિત શક્તિનું વિરાટ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમની ગરિમામાં ત્યારે અનેરો વધારો થયો હતો
પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું જોવા મળ્યું હતું કે જ્યારે વિશ્વકર્મા સમાજની તમામ જ્ઞાતિઓ અને અસંખ્ય પેટા-જ્ઞાતિઓ પોતાના વર્ષો જૂના નાના-મોટા મતાંતરો અને ભેદભાવોને બાજુએ મૂકીને ’એક જ લક્ષ્ય, એક જ પ્રાણ’ના મંત્ર સાથે એક જ મંચ પર અને એક જ નેજા હેઠળ સંગઠિત થયા હોય. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ પોરબંદરના માર્ગો ’જય વિશ્વકર્મા’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા સમાજના અગ્રણીઓની અપીલને માન આપીને પોરબંદરના તમામ વિશ્વકર્મા વંશજ કારીગરો, નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ પોતાના ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખીને આ સંમેલનમાં હાજરી આપી લોખંડી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સાંજે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સર્વાંગી ઉત્થાન માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. જનમેદનીને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ અત્યંત ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, આ દ્રશ્ય માત્ર એક સામાજિક મેળાવડો નથી, પરંતુ આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક સંગઠિત શક્તિની સિંહગર્જના છે. તેમણે ’વિશ્વકર્મા ફાઉન્ડેશન’ના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં દર 15 દિવસે આવી બેઠકો યોજી સંગઠનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે સમાજ એકતાના સૂત્રમાં બંધાય છે ત્યારે જ પ્રગતિના દ્વાર ખુલે છે, અને હવે સમય પાકી ગયો છે કે આપણે પરંપરાગત કૌશલ્યની સાથે આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીને અપનાવીએ.
આ સંમેલનમાં સેવાકીય પ્રવૃત્તિઓની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી, જેમાં ખાસ કરીને બાલા હનુમાન ગ્રુપ દ્વારા હનુમાન જયંતિના અવસરે 11,145 બોટલ રક્ત એકત્રિત કરી જે વિશ્વવિક્રમ સર્જાયો હતો, તેને જગદીશભાઈ વિશ્વકર્માએ ખુલ્લા મનથી બિરદાવ્યો હતો. તેમણે સામાજિક અગ્રણી કેતન ગજ્જરના નિ:સ્વાર્થ સમર્પણ અને સંગઠન ક્ષમતાની સાર્વજનિક પ્રશંસા કરતા કહ્યું કે આવા નિષ્ઠાવાન કાર્યકરો જ સમાજને જીવંત રાખે છે.
સંમેલનની પૂર્ણાહુતિ બાદ આયોજિત ’મહાપ્રસાદ’માં સામાજિક સમરસતાના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઊંચ-નીચ કે જ્ઞાતિના કોઈ પણ ભેદભાવ વગર હજારો લોકોએ એકસાથે પંગતમાં બેસી ભોજન ગ્રહણ કર્યું હતું.
આ વિરાટ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વકર્મા પરિવાર-પોરબંદરની વિવિધ સમિતિઓએ રાત-દિવસ એક કર્યા હતા. પોરબંદરના દરિયાકિનારે અફાટ મોજાઓની જેમ ઉમટેલી આ જનમેદનીએ સાબિત કરી દીધું હતું કે વિશ્વકર્મા સમાજ હવે માત્ર શિલ્પી જ નહીં, પણ એક મજબૂત સામાજિક શક્તિ તરીકે ઉભરી રહ્યો છે. આ એકતાની જ્યોત સમગ્ર ગુજરાતમાં માર્ગદર્શક દીવાદાંડી બની રહેશે અને આવનારી પેઢીઓ માટે ગૌરવ અને સ્વાભિમાનના નવા યુગનો સૂર્યોદય કરશે તેવો મક્કમ વિશ્વાસ સમાજના વડીલોએ વ્યક્ત કર્યો છે.



