સભા, સરઘસ કે રેલીઓનું કોઈ રેકોર્ડિંગ થતું નથી, આ છૂટછાટને કારણે નેતાઓ ખુલ્લેઅમ પ્રલોભન આપે તો પણ તંત્ર પાસે તેના કોઈ પુરાવા રહેતા નથી
લોકસભાની ચૂંટણીમાં જે રીતે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી કાર્યરત હોય છે, તેવી કોઈ વ્યવસ્થા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળતી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા માત્ર કાગળ પરનો વાઘ બનીને રહી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવતી કડક દેખરેખ અને નિયમોની સરખામણીએ રાજ્ય ચૂંટણી આયોગના નિયમો અત્યંત ઢીલા જણાતા નેતાઓ અને વહીવટી તંત્ર મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ચૂંટણીમાં ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ કે વીડિયો વ્યૂઈંગ ટીમ જેવી કોઈ વ્યવસ્થા જ ગોઠવવામાં આવી નથી. ઉમેદવારી પત્ર ભરતી વખતે થતી વીડિયોગ્રાફીને બાદ કરતાં સભા, સરઘસ કે રેલીઓનું કોઈ રેકોર્ડિંગ થતું નથી. આ છૂટછાટને કારણે નેતાઓ મતદારોને ખુલ્લેઆમ પ્રલોભન આપે તો પણ તંત્ર પાસે તેના કોઈ પુરાવા રહેતા નથી. લોકસભાની ચૂંટણીમાં જે રીતે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી કાર્યરત હોય છે, તેવી કોઈ વ્યવસ્થા અહીં જોવા મળતી નથી.
બીજી તરફ, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલિંગ સ્ટાફનું રેન્ડમાઈઝેશન સોફ્ટવેર બેઝ્ડ કરવાને બદલે મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવતું હોવાથી મળતિયાઓને ગોઠવવાની તક મળી રહે છે.
વ્યવસ્થાની વાત કરીએ તો, આ વખતે ઈવીએમ સાથે વીવીપેટ પણ જોડવામાં આવ્યા નથી, તેમજ બૂથ લેવલ ઓફિસરો દ્વારા વોટર સ્લીપના વિતરણમાં પણ અનેક ખામીઓ વર્તાઈ રહી છે. રાજકોટમાં વિસ્તાર વધવાને કારણે બૂથની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે, પરંતુ તેની સામે આચારસંહિતાના અમલ માટે જરૂરી નોડલ ઓફિસરો અને સ્ટાફની ભારે અછત છે. મતદારોની સંખ્યા 10.93 લાખથી ઘટીને 9.85 લાખ જેટલી થઈ છે, ત્યારે આ ઘટતા જતા મતદાન અને તંત્રની ઢીલી નીતિ વચ્ચે લોકશાહીનું મૂલ્ય જોખમાઈ રહ્યું હોય તેવું વિશ્લેષકો માની રહ્યા છે.



