કડીયાવાડમાં જનતાનો હલ્લાબોલ, ધંધા-રોજગાર બંધ પાળી લોકો રસ્તા પર ઉતર્યા
શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી ઠેર-ઠેર ચક્કાજામ અને આંદોલનો ધારાસભ્ય સંજય કોરડીયાની અધિકારીઓને ખખડાવી તાત્કાલિક કામ પૂર્ણ કરવા સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ગિરનારની પવિત્ર ગોદમાં વસેલી અને વિશ્વભરમાં તેના ભવ્ય ઇતિહાસ તથા પ્રવાસનધામ તરીકે પ્રખ્યાત એવી જૂનાગઢ નગરી અત્યારે વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા અને સ્થાનિક શાસકોની અણઆવડતને કારણે સમસ્યાઓનું માળખું બની ગઈ છે. જે શહેરની ઓળખ તેના સ્થાપત્યો અને શાંતિથી હતી, તે શહેર આજે ખોદાયેલા રસ્તાઓ, ઉડતી ધૂળની ડમરીઓ અને જનતાના આક્રોશિત આંદોલનોથી ઓળખાઈ રહ્યું છે. શહેરભરમાં વ્યાપેલી અવ્યવસ્થા અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે આજે કરદાતા પ્રજાને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના એક પણ વિસ્તાર એવો નથી રહ્યો જ્યાં જનતામાં સંતોષ હોય. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો અને ચક્કાજામના દ્રશ્યો સામાન્ય બન્યા છે. જેમાં જીઆઈડીસી વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટર, પાણી અને સારા રસ્તાના અભાવે કંટાળેલા વેપારીઓએ એકજૂટ થઈ ચક્કાજામ કર્યો હતો અને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એજ જૂનાગઢના પોશ ગણાતા ઝાંઝરડા રોડ પર નવા રસ્તા બનાવવાના નામે મહિનાઓથી ખોદકામ કરીને પડતું મૂકી દેવાયું છે. આ ધૂળ અને અસુવિધાથી પરેશાન સ્થાનિક મહિલાઓએ ઘરની બહાર નીકળી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. તેની સાથે શાંતેશ્વર વિસ્તારોમાં પણ લોકોએ રસ્તા રોકીને વહીવટી તંત્રની નિંભરતા સામે અવાજ ઉઠાવ્યો હતો.
જયારે હવે આજે જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારના લોકોએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખી, તમામ દુકાનોના શટર પાડી દઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું. લોકોના આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ છેલ્લા ઘણા દિવસોથી જવાહર રોડને રસ્તો બનાવવાના બહાને ખોદી નાખવામાં આવ્યો છે. આ રસ્તો ખોદ્યા બાદ આગળની કોઈ કામગીરી ઝડપથી થતી નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ માત્ર કાગળ પર કામ બતાવે છે, જ્યારે જમીની હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં માત્ર રસ્તાની જ સમસ્યા નથી, પરંતુ જર્જરિત ઇમારતો પણ નિર્દોષ નાગરિકો માટે જીવનું જોખમ બની છે. હજુ બે દિવસ પહેલા જ કડીયાવાડ વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પોપડું પડતા નીચે ઉભેલી એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે મનપા માત્ર જર્જરિત ઇમારતોને નોટિસ આપીને સંતોષ માની લે છે, પરંતુ નક્કર કામગીરી કેમ કરવામાં આવતી નથી? ખુદ શાસક પક્ષના જ મહિલા નગરસેવકે આ ઘટના માટે તંત્રની બેદરકારી પર આંગળી ચીંધી છે, જે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાની પરાકાષ્ઠા દર્શાવે છે.
કડીયાવાડમાં લોકોનો રોષ અને આંદોલનની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયા તુરંત દોડી આવ્યા હતા. તેમણે ઉશ્કેરાયેલા લોકોને સાંભળ્યા હતા અને તાત્કાલિક મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. ધારાસભ્યએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કડીયાવાડ વિસ્તારમાં રસ્તાના કામ અને જર્જરિત ઇમારતો બાબતે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની હોય તે યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે અને લોકોની હાલાકી દૂર થાય. ધારાસભ્યની આ દરમિયાનગીરી અને ખાતરી બાદ હાલ મામલો થાળે પડ્યો છે, પરંતુ જનતા હજુ પણ પરિણામની રાહ જોઈ રહી છે. જૂનાગઢની જનતા આજે લાચારી અનુભવી રહી છે. લોકો પ્રામાણિકપણે મ્યુનિસિપલ ટેક્સ ભરે છે, પરંતુ બદલામાં તેમને સુવિધાને બદલે માત્ર ખાડા, ઉડતી ધૂળ, ટ્રાફિક જામ અને અકસ્માતો જ મળી રહ્યા છે. વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ એટલો છે કે એક વિભાગ રસ્તો બનાવે છે તો બીજો વિભાગ ગટર કે લાઈન નાખવા માટે ફરી રસ્તો ખોદી નાખે છે. આ ચક્રમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે.
પ્રજાનો વેધક સવાલ: ‘ધીમી ગતિ પાછળ કોણ જવાબદાર?’
- Advertisement -
જો આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, ગટર અને જર્જરિત ઇમારતોના પ્રશ્નોનું કાયમી અને ઝડપી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો અત્યારે જોવા મળી રહેલા નાના-મોટા આંદોલનો આવનારા સમયમાં વધુ ઉગ્ર જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જૂનાગઢની જનતા હવે ખોટા વાયદાઓ નહીં, પણ નક્કર કામગીરી ઈચ્છી રહી છે.



