કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નારાજગીના સૂર
હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં અંજના પંચાસરાને ક્યારે પણ જોયા નથી: જાગૃતિ ડાંગર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ગઈકાલે 40 ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નારાજગીના સૂર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે નારાજગી વ્યક્ત કરી વોર્ડ નંબર 13ના મહિલા ઉમેદવાર અંજનાબેન પંચાસરાને કોઈ ઓળખતું નથી આ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી. આ ચૂંટણીમાં અમે કમલેશ કોઠીવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી અને તેમને ટિકિટ ન આપવામાં આવે તો તેમને પોતાને ફાળવવામાં આવે તેવી માંગ પાર્ટી સમક્ષ રાખી હતી. જો કે પાર્ટીએ કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવી 13 નંબરમાં મિસ્ત્રી સમાજના અંજનાબેનને ટિકિટ ફાળવી છે જેને કોઈ ઓળખતું નથી માટે અમારી સાથ સંકલન કરી ટિકિટ ફાળવી હોત તો પરિણામ યોગ્ય આવી શકત જો કે આ ટિકિટ ફાળવણીથી ચૂંટણીના પરિણામ પર અસર ચોક્કસ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકીટ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે વોર્ડ નંબર 13ના ઉમેદવારને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જાગૃતિબેન દ્વારા વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલને ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી હતી જો કે કમલેશ કોઠીવાલના બદલે અંજના પંચાસરાને જાહેર કરતા જાગૃતિબેન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા અમને સંકલનમાં લીધા વગર જ નામો જાહેર કર્યાં છે જે ઉમેદવારને જાહેર કર્યા તેઓ પાર્ટીના કોઇ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. કોંગ્રેસના નેતા જ ઓળખતા નથી તો કેવી રીતે લોકો ઓળખે તે મોટો સવાલ છે. ટિકિટ ફાળવણી એ પાર્ટીનો નિર્ણય છે માટે પાર્ટીના નિર્ણય સાથે છીએ પરંતુ અમને વિશ્વાસમાં લીધાં હોત તો પરિણામ સારૂ મળ્યું હોત એવું અમારું ચોક્કસ માનવું છે. ચૂંટણી પરિણામ પર આની અસર જોવા મળે તો નવાઈ નહીં કારણ કે લોકો વચ્ચે રહેતા નેતાને ટિકિટ ફાળવવામાં આવી નથી. હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં આ બહેનને ક્યારે પણ જોયા નથી. કમલેશને આ વોર્ડમાં ટિકિટ આપવાની માંગ એટલા માટે કરી હતી કારણ કે તે સ્થાનિક ઉમેદવાર છે અને લોકો વચ્ચે રહે છે 25 વર્ષથી પાર્ટીનો કાર્યકર છે. જ્ઞાતિ સમીકરણ આધારે અમે આ વિસ્તારમાં કમલેશને ટિકિટ આપવા માંગ કરી હતી.



