5 વર્ષમાં 1.25 કરોડે નોકરી માટે ફોર્મ ભર્યા
1.39 લાખ આઉટસોર્સ કર્મી પર વર્ષે રૂ.5355 કરોડ ખર્ચ
- Advertisement -
રોજગાર વિભાગમાં જ 2305 જગ્યા ખાલી: 2196 ડૉક્ટર, 1384 મામલતદારની ખાધ
રાજ્યમાં સરકારી તંત્રની કામગીરી પર ગંભીર અસર પાડે તેવી ચોંકાવનારી સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રની કામગીરી પર ગંભીર અસર પાડે તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. રાજ્ય સરકારના બજેટ દસ્તાવેજ મુજબ, કુલ 1.63 લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી છે, જેમાંથી મોટા ભાગની જગ્યાઓ કાયમી રીતે ભરવાની હોવા છતાં આઉટસોર્સ, 11 માસના કરાર અથવા ફિક્સ વેતન પર નિર્ભરતા વધી રહી છે.
રાજ્યના 27 મંત્રાલયમાંથી 26 મંત્રાલયોમાં 20 ટકા થી 68 ટકા સુધી જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો થયો છે. ખાસ કરીને આરોગ્ય, પોલીસ અને શિક્ષણ જેવા અગત્યના વિભાગોમાં મોટી ખાધ જોવા મળે છે. રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 2196 જગ્યાઓ ખાલી છે, જ્યારે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી લઈ આઇજી કક્ષાના અધિકારીઓ સુધી લગભગ 44 હજાર જગ્યાઓ ભરાઈ નથી. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય અને પ્રોફેસરની 18 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. વહીવટી તંત્રમાં પણ ગંભીર સ્થિતિ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સુધી 11 માસના કરાર પર કાર્યરત છે, જે પ્રણાલીની સ્થિરતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. ભરતી પ્રક્રિયા સંભાળતા મુખ્ય બોર્ડો – જીપીએસસી, ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300માંથી 146 જગ્યાઓ આઉટસોર્સ અથવા કરાર આધારિત છે, જ્યારે જીપીએસસીમાં 25 જગ્યાઓ હજુ ખાલી છે. રોજગાર અને શ્રમ વિભાગમાં જ 2305 જગ્યાઓ ખાલી હોવા ઉપરાંત, રાજ્યની કુલ 320 કચેરીઓમાં 1.39 લાખ કર્મચારીઓ આઉટસોર્સ અથવા કરાર આધારિત છે. રાજ્ય સરકાર હેઠળ 1.23 લાખ અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં 40 હજાર જગ્યાઓ ખાલી છે. બીજી તરફ, કેટલીક ગ્રાન્ટેડ સંસ્થાઓમાં મંજૂર 4576 જગ્યાઓ સામે 10 હજારથી વધુ ભરતી કરવામાં આવી છે, જેમાં આઉટસોર્સિંગનો સમાવેશ થાય છે.
યુવાનો માટે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 5 વર્ષમાં સરકારી નોકરી માટે 1.25 કરોડથી વધુ ફોર્મ ભરાયા છે, છતાં ભરતી પ્રક્રિયા ધીમી છે. જે પદો માટે સૌથી વધુ તૈયારી થાય છે, તેમાં જ મોટી ખાધ છે-સેક્શન/નાયબ સેક્શન અધિકારીની 732, મામલતદારની 1384, રાજ્ય વેરા નિરીક્ષકની 1066 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે. નાયબ કલેક્ટરની 24 જગ્યાઓ પણ ભરાઈ નથી. ક્લાસ-1 અને ક્લાસ-2ની 64 હજારથી વધુ મંજૂર જગ્યાઓમાંથી 36 ટકા એટલે કે 24 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, જેમાં ક્લાસ-1 સચિવની 274 જગ્યાની ખાધ નોંધાઈ છે. ક્લાસ-3માં 7.25 લાખ મંજૂર જગ્યાઓ સામે 86 હજારથી વધુ અને ક્લાસ-4માં 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત, રાજ્યમાં 1.39 લાખ કર્મચારી-અધિકારીઓ આઉટસોર્સ અથવા કરાર પર કામ કરી રહ્યા છે, જેમને વર્ષે 5355 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે છઠ્ઠા અને સાતમા પગારપંચ હેઠળ 6 લાખથી વધુ કાયમી સ્ટાફને 60 હજાર કરોડ રૂપિયા ચૂકવાય છે અને સરકારી કચેરીઓના સ્ટાફ માટે વધારાના 19 હજાર કરોડનો ખર્ચ થાય છે.
2006થી અમલમાં આવેલી ફિક્સ વેતન નીતિ અંગેનો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે, જે રાજ્યની ભરતી નીતિ પર ભવિષ્યમાં અસરકારક બની શકે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં એક તરફ યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે, તો બીજી તરફ સરકારમાં ખાલી જગ્યાઓ હોવા છતાં કાયમી ભરતીમાં વિલંબ થતો હોવાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
યુવા સૌથી વધુ તૈયારી કરે છે, તેવી જગ્યા પણ ખાલી
– 5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાયા છે. યુવાનો સૌથી વધુ તૈયારી કરે છે, તે પદોની અનેક જગ્યા ખાલી છે. સેક્શન/નાયબ સેક્શન અધિકારીની 732, મામલતદારની 1384, રાજ્ય વેરા નિરીક્ષક/અધિકારીની 1066, નાયબ કલેક્ટરની 24. સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે.
સચિવ સહિતની ક્લાસ 1-2ની 36% જગ્યા ખાલી
સરકારમાં ક્લાસ 1-2ની કુલ 64 હજારથી વધુ જગ્યા મંજૂર થયેલી છે. તેમાંથી 36% એટલે કે 24 હજારથી વધુ જગ્યા ખાલી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ-1 સચિવની 274 જગ્યાની ઘટ છે. ક્લાસ-3ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યા સામે 12% એટલે કે 86 હજારથી વધુ જગ્યા ખાલી છે. જ્યારે ક્લાસ-4ની 12 હજારથી વધુ જગ્યા ખાલી છે.
આઉટસોર્સ-કરાર માટે રૂ.5255 કરોડનો ખર્ચ
સરકારમાં કુલ 1.39 લાખ કર્મચારી-અધિકારીઓ આઉટસોર્સ, 11માસના કરાર કે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષે 5355 કરોડ પગાર ચૂકવાય છે. છઠ્ઠા-સાતમા પગારપંચના 6 લાખથી વધુ સ્ટાફને 60 હજાર કરોડ પગાર અપાય છે. સરકારી કચેરીના સ્ટાફ માટે 19 હજાર કરોડ વધુ ખર્ચ થાય છે.



