પાર્ટી પ્લોટ-રિસોર્ટમાં રાસ-ગરબા, ડીજે-ડાન્સ સાથે ધુળેટીની ઉમંગભેર ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં બુધવારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી. સવારથી જ શહેરના રસ્તાઓ, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને રિસોર્ટોમાં લોકો એકત્ર થઈને રંગોના પર્વની મજા માણતા જોવા મળ્યા હતા. નાનાથી માંડીને મોટા સુધી દરેક વયના લોકો આ રંગોત્સવમાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો તેમજ ખાસ કરીને રેસકોર્ષ વિસ્તારમાં વહેલી સવારથી જ યુવાનો અને પરિવારજનોની ભીડ ઉમટી પડી હતી. લોકો એકબીજાને ગુલાલ અને રંગ લગાવીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. રંગબેરંગી કલર ઉડતા એક સમયે આખો વિસ્તાર જાણે રંગોની ધુમ્મસથી છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
શહેરના અનેક પાર્ટી પ્લોટ, ક્લબો અને રિસોર્ટોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ડીજેના તાલે યુવાનો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સાથે સાથે રાસ-ગરબા, રેઇન ડાન્સ અને પૂલ પાર્ટી જેવી મસ્તીભરી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા સ્થળોએ લંચ અને ડિનરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેથી લોકો આખો દિવસ રંગોત્સવની મજા માણી શક્યા હતા. સોસાયટીઓ અને શેરીઓમાં પણ ધુળેટીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો અવનવી પિચકારીઓ લઈને એકબીજાને રંગીન પાણી ઉડાવતા હતા અને આનંદભેર ઉજવણી કરતા હતા. બાળકોના કિલકિલાટ અને સંગીતના તાલ સાથે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
ધુળેટીનો તહેવાર પ્રેમ, મિત્રતા અને એકતાનો સંદેશ આપતો તહેવાર માનવામાં આવે છે. રાજકોટમાં પણ લોકો ભેદભાવ ભૂલીને એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વહેંચતા જોવા મળ્યા હતા. કુલ મળીને શહેરમાં ધુળેટીની ઉજવણી ઉત્સાહ, આનંદ અને રંગોની મસ્તી સાથે યાદગાર બની હતી.



