નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ની 6 સભ્યોની સ્પેશિયલ બેન્ચે અંદાજે ₹81,000 કરોડના મહત્વાકાંક્ષી ‘ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ’ને લીલી ઝંડી આપી દીધી છે.
જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે સોમવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરીમાં દખલ કરવાનું કોઈ નક્કર કારણ જણાતું નથી, કારણ કે તેમાં પર્યાવરણની સુરક્ષા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે.
- Advertisement -
વ્યૂહાત્મક મહત્ત્વ અને પર્યાવરણ વચ્ચે સંતુલન પર ભાર
ટ્રિબ્યુનલે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્ત્વને સ્વીકારતા ‘બેલેન્સ્ડ એપ્રોચ’ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ, સિવિલ અને મિલિટરી એરપોર્ટ તેમજ 450-MVAનો ગેસ અને સોલર પાવર પ્લાન્ટ બનાવવાની સરકારની યોજના છે.
નિકોબારી સમુદાયની ચિંતાઓ વચ્ચે પ્રોજેક્ટને મંજૂરી
- Advertisement -
આ મેગા પ્રોજેક્ટ કુલ 166 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 130 ચોરસ કિલોમીટર જંગલની જમીનનો ઉપયોગ થશે અને તેના કારણે અંદાજે 10 લાખ વૃક્ષો કાપવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્થાનિક નિકોબારી સમુદાયના વિરોધ અને પર્યાવરણને થનારા નુકસાનની ચિંતાઓ છતાં આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો છે.
NGT એ સ્પષ્ટ કર્યું છે કે લેધરબેક કાચબા, નિકોબાર મેગાપોડ અને ખારા પાણીના મગર જેવા જીવોના સંરક્ષણ માટે સરકારે ખાસ શરતોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, ટાપુના રેતાળ બીચ અને કિનારાને નુકસાન ન પહોંચે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તારો કાળક્રમે કાચબાઓ અને પક્ષીઓ માટે આવાસ બનાવવાના મુખ્ય સ્થળો છે.
દુશ્મન સામે રક્ષણ અને હુમલા માટે અતિ મહત્ત્વનું લોકેશન
વ્યૂહાત્મક દૃષ્ટિએ આ પ્રોજેક્ટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ગ્રેટ નિકોબાર ટાપુ દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ એવા ‘મલક્કાની સામુદ્રધુની’ની અત્યંત નજીક છે, જેનાથી ભારત ગ્લોબલ સપ્લાય ચેનનું મુખ્ય કેન્દ્ર બનશે. લશ્કરી દૃષ્ટિકોણથી પણ આ સ્થળ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે અહીંથી હિંદ મહાસાગરમાં ચીની જહાજો અને સબમરીન પર ચાંપતી નજર રાખી શકાશે. કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં આ લોકેશન ભારતને પ્રચંડ શક્તિ આપશે અને દુશ્મન પર વળતો હુમલો કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.




