એકવાર બે મિત્રો દરિયાકાંઠે બેસીને વાતો કરતા હતા. અચાનક દરિયાનું એક વિશાળ મોજુ આવ્યું અને દૂર બેઠેલા આ બંને મિત્રો સુધી પહોંચ્યું. મોજુ તો આવીને જતું રહ્યું પણ આ વિશાળ મોજાંની સાથે ઘણી બધી માછલીઓ પણ આવી. પાણી પાછું જતું રહ્યું પણ માછલીઓ જમીન પર જ રહી ગઈ અને તરફડવા માંડી. એક મિત્ર તુરંત જ ઊભો થયો અને તરફડી રહેલી માછલીઓને ઉપાડી-ઉપાડીને દરિયામાં ફેંકવા લાગ્યો. બીજો મિત્ર આ જોઈને હસવા માંડ્યો એટલે માછલીઓને ઉપાડીને દરિયામાં ફેંકી રહેલા મિત્રે પૂછ્યું, તું કેમ હસે છે ? પેલાએ હસતાં હસતાં જ કહ્યું, તારા આ ગાંડપણ પર હસું છું. તું પણ કેવો મૂરખ છે. આ હજારોની સંખ્યામાં માછલીઓ બહાર આવી છે. તું કેટલીને બચાવીશ ? તારા આ પ્રયત્નોથી શું ફેર પડશે ? જવાબમાં પેલા મિત્રે પોતાના હાથમાં રહેલી તરફડતી માછલીને દરિયામાં ફેંકતા કહ્યું, જો આને તો બચાવી તો આને તો ફેર પડ્યો ને ! ઘણી વખત સમાજની બૂરાઈઓ જોઈને આપણને એવું લાગે કે હું એકલો આમાં શું કરી શકું ? મારા એકલાના પ્રયાસથી શું ફેર પડે ? આ નાની વાર્તા આપણા આ મહામોટા પ્રશ્નનો બહુ સરળતાથી જવાબ આપી જાય છે. સૂર્ય ન બની શકીએ તો કંઈ નહીં નાનો દિવો બનીશું, તો પણ આસપાસ થોડું અજવાળું તો આપી જ શકીશું. અને હા, ગમે તેવા ગાઢ અંધારામાં પણ હાથમાં દિવો લઈને ચાલવાનું શરૂ કરો તો એ દિવાનું અજવાળું પણ તમારી સાથે જ ચાલશે અને તમે તમારી મંજિલ સુધી અંધારુ હોવા છતાં પહોંચી જશો. અંધારુ તમારા માટે અવરોધરૂપ નહીં બની શકે.
આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી જેટલી નથી પીડાતી, તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાને લીધે પીડાય છે
– રોમા રોલા



