જૂનાગઢ ગિરનારની ગોદમાં શ્રદ્ધાનો ઘોડાપૂર, રવિવારે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આદિ અનાદિ કાળથી યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે એક નવા જ કલેવરમાં જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે આ મેળાને ’મિની કુંભ’ તરીકે જાહેર કરી અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સંખ્યા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ મેળો ખરા અર્થમાં કુંભ મેળાની પ્રતીતિ કરાવી રહ્યો છે.
શ્રદ્ધા સામે અંતર પણ ટૂંકું: લાખો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ
મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે ભાવિકોએ ભવનાથ તળેટી સુધી પહોંચવા માટે 3 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપવું પડે છે. વાહનવ્યવહાર પરના નિયંત્રણો હોવા છતાં, શિવભક્તોના અતૂટ વિશ્ર્વાસ અને ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. વૃદ્ધો હોય કે બાળકો, સૌ કોઈ ’હર હર મહાદેવ’ના નાદ સાથે ગિરનારના પથરાળ માર્ગો પર ચાલીને ભોળાનાથના શરણમાં પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળાનો લાભ લઈ ચૂક્યા છે.
શનિ-રવિની રજામાં 10 લાખનો આંકડો વટાવવાની સંભાવના
પ્રશાસનના અંદાજ મુજબ, મેળાના પ્રથમ ચાર દિવસમાં જ અડધો મિલિયન લોકોની ભીડ ઉમટી પડી છે. આજે શનિવાર અને આવતીકાલે રવિવારે મહાશિવરાત્રીનો મુખ્ય દિવસ હોવાથી તેમજ રજાના દિવસો હોવાને કારણે પ્રવાસીઓનો ધસારો બમણો થવાની ધારણા છે. વહીવટી તંત્ર દ્વારા આ આંકડો 10 લાખને વટાવી જશે તેવી સંભાવના સાથે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓનું સુંદર આયોજન
ગિરનાર અને ભરડાવાવથી ચાલીને આવતા યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સમગ્ર રૂૂટ પર ફિલ્ટર કરેલા પીવાનું શુદ્ધ પાણીની સુવિધા, ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડી છાસ અને લીંબુ શરબતનું નિ:શુલ્ક વિતરણ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા 24 કલાક ધમધમતા અન્નક્ષેત્રોમાં શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક ભોજન અને પ્રસાદ પીરસવામાં આવે છે. તળેટીના રૂૂટ પર દીવાલો પર શિવજીના જીવન અને મહિમાને દર્શાવતા સુંદર વોલ પેઈન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. આધુનિક યુગના ભાવિકો માટે વિવિધ જગ્યાએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરાયા છે, જે યુવા વર્ગમાં લોકપ્રિય બન્યા છે.
શિવરાત્રિ મેળામાં નાગા સાધુઓ મેળાનું મુખ્ય આકર્ષણ
દેશના ખૂણે ખૂણેથી આવેલા હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અને અખાડાઓની સુવિધા ઉભી કરાઈ છે. તેમની ધૂણી, ભક્તિ અને હઠયોગ નિહાળવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ સાધુ-સંતોની ઉપસ્થિતિથી સમગ્ર તળેટી જાણે કૈલાસ ધામ બની હોય તેવો અનુભવ થાય છે.
રવિવારે મહાશિવરાત્રિ પર્વે નાગા સાધુની ભવ્ય રવેડી અને શાહી સ્નાન
આવતીકાલે રવિવારે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મેળાનું મુખ્ય આકર્ષણ એવી ’રવેડી’ નીકળશે. આ વર્ષે રવેડીનો રૂૂટ લંબાવવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ ભાવિકો તેના દર્શન કરી શકે. રવેડીમાં પ્રથમ નાગા સાધુના ઇષ્ટદેવ ગુરુ દત્તાત્રય ભગવાન, ત્યારબાદ ગણેશજી અને માં ગાયત્રી માતાની પાલખીઓ નીકળશે તેની સાથે વિવિધ અખાડાના સાધુઓ બેન્ડ-વાજા અને ડીજેના તાલે તલવારબાજી, લાઠી દાવ અને અવનવી અંગ કસરતોના કરતબો જોવા મળશે અને ત્યાર બાદ મધ્યરાત્રિના 12 વાગ્યે હજારો સાધુ-સંતો શંખનાદ અને હર હર મહાદેવના નારા સાથે ભવનાથ મંદિરના પવિત્ર ’મૃગી કુંડ’ માં શાહી સ્નાન કરશે. શાહી સ્નાન બાદ ભોળાનાથની ભવ્ય મહાઆરતી યોજાશે અને તેની સાથે જ આ ’મિની કુંભ’ સમાન મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થશે. જૂનાગઢનું પ્રશાસન અને પોલીસ તંત્ર 24 કલાક સતત ખડેપગે રહીને આ ભવ્ય આયોજનને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.



