કૉંગ્રેસના ખેડૂત નેતાઓ દ્વારા મુલાકાત લેતા રાજકારણ ગરમાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
આમ આદમી પાર્ટીના કિશાન, સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા બોટાદના હડદડ ખાતે કડદા આંદોલન મામલે 108 દિવસ જેલમાં સજા ભોગવ્યા બાદ બહાર આવ્યાના થોડા દિવસોમાં જ આપના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યાર બાદ પાર્ટીએ રાજુભાઈ કરપડાના સમર્થકો અને આપના હોદેદારો (1) અમૃતભાઈ મકવાણા (સુરેન્દ્રનગર લોકસભા ઇન્ચાર્જ) (2) વહાનભાઈ (ઉમરડા જીલ્લા પંચાયતના પ્રભારી) (3) સગરામભાઈ (કાર્યકર સડલા જીલ્લા પંચાયત) અને (4) વિરમદેવભાઈ (મુળી જીલ્લા પંચાયત પ્રભારી)ને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પાટીના તમામ હોદા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યકારી અધ્યક્ષ ડો.જવેલ વસરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયા સહિતના નેતાઓ સુરેન્દ્રનગર ખાતે તેમને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ દ્વારા તેમને પક્ષમાં જોડાવા માટે વિધિવત નિમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં તેઓ આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ અમિત ચાવડા સાથે પણ મુલાકાત કરી શકે છે તેવી ચર્ચો છે. જોકે, રાજુ કરપડાએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ સાથેની મુલાકાત માત્ર પારિવારિક સંબંધોના કારણે છે. તેઓ સૌપ્રથમ એક મોટું ખેડૂત સંમેલન યોજશે. ખેડૂતો અને સમર્થકો જે સૂચન કરશે તે મુજબ જ ભવિષ્યનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.



