છોટી કાશી રોશનીથી ઝળહળશે; રાજા રાજોધરજીએ મહાશિવરાત્રીના દિવસે નાખ્યો હતો પાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર વસેલું અને શૌર્ય, સંસ્કૃતિ તથા સંસ્કારની ગાથા ધરાવતું હળવદ શહેર આવતીકાલે તેનો 539મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ઇ.સ. 1488 (વિક્રમ સંવત 1544)ના મહા વદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના પવિત્ર સોમવારે રાજા રાજોધરજીએ આ નગરીનો પાયો નાખ્યો હતો. આવતીકાલે આ ઐતિહાસિક ઘટનાને 538 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
ઉજવણી અને આધ્યાત્મિક વારસો: સ્થાપના દિવસ નિમિત્તે આવતીકાલે હળવદના શિવાલયો, રાજમાર્ગો અને ઐતિહાસિક ગઢ-દરવાજાઓને રોશનીથી શણગારવામાં આવશે. ’છોટી કાશી’ તરીકે ઓળખાતા હળવદમાં મહાશિવરાત્રી અને સ્થાપના દિવસનો સમન્વય થતો હોવાથી ભક્તિમય માહોલ જોવા મળશે. શહેરના રાજીયેર વિસ્તારમાં આવેલા શૂરવીરોના પાળીયા અને સતી-સુરાની ડેરીઓ આજે પણ હળવદના ખમીરવંતા ઇતિહાસની યાદ અપાવે છે.
ઐતિહાસિક વિરાસતનું જતન: આશરે 500 વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહેલા હળવદમાં સામતસર સરોવર અને દાંડિયા મહેલ જેવા સ્થાપત્યો આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવતીકાલે યોજાનારા વિવિધ કાર્યક્રમો દ્વારા નગરજનો પોતાના ગૌરવશાળી ભૂતકાળને યાદ કરશે. “હેપી બર્થ ડે હળવદ”ના નાદ સાથે શહેરવાસીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવાનો સંકલ્પ પણ લેશે.



