જૂનાગઢ કોર્ટમાં બૉમ્બની આશંકાના લીધે સર્ચ ઑપરેશન
બૉમ્બ હોવાની ધમકી મળતા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાલી કરાવાઈ
- Advertisement -
ધમકી આપનારનું ઈંઙ એડ્રેસ ટ્રેસ કરવા પોલીસની કવાયત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
આજે જૂનાગઢના ન્યાયતંત્ર માટે અત્યંત તણાવભરી સાબિત થઈ હતી. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા આખા શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. એક અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલે માત્ર પોલીસ તંત્રને જ નહીં, પણ વકીલો, અસીલો અને કોર્ટમાં ન્યાયની આશાએ આવેલા સેંકડો નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ઘટનાની વિગતો મુજબ, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર એક મેસેજ પ્રાપ્ત થયો હતો, જેમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટક પદાર્થ (બોમ્બ) પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મેઈલ વાંચતાની સાથે જ કોર્ટ વહીવટી તંત્રના હોશ ઉડી ગયા હતા. તુરંત જ આ બાબતની જાણ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતા કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના કાફલા સાથે કોર્ટ સંકુલ પહોંચ્યા હતા. સૌથી પહેલું અને મહત્વનું કામ પરિસર ખાલી કરાવવાનું હતું. જે સમયે ધમકી મળી ત્યારે અનેક કોર્ટરૂમમાં ન્યાયિક કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી હતી. પોલીસે ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોને તાકીદે બહાર નીકળી જવા સૂચના આપી હતી. ગણતરીની મિનિટોમાં જ આખા પરિસરને ખાલી કરાવી પોલીસ દ્વારા સુરક્ષા કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. બહારથી આવતા તમામ રસ્તાઓ બ્લોક કરી દેવાયા હતા. વકીલો અને અસીલો પોતાનું કામકાજ મૂકીને જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ કોઈ અસામાજિક તત્વોની હરકત છે કે ખરેખર કોઈ મોટી સાજિશ? સમગ્ર પરિસર ખાલી થયા બાદ, જૂનાગઢ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉજ) અને ડોગ સ્ક્વોડ હરકતમાં આવી હતી. કોર્ટના તમામ રૂમ, લાઈબ્રેરી, વકીલોની ચેમ્બરો, કેન્ટીન, પાર્કિંગ એરિયા અને શૌચાલયોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મેટલ ડિટેક્ટર અને અન્ય આધુનિક ઉપકરણો દ્વારા શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણીવાર અદાલતોમાં કેસોને પાછા ઠેલવા અથવા ભય ફેલાવવા માટે આવા ’હોક્સ કોલ’ (ખોટી ધમકી) કરવામાં આવતા હોય છે. જોકે, બોમ્બ જેવી સંવેદનશીલ બાબતમાં પોલીસ કોઈ પણ પ્રકારની ઢીલાશ છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સમગ્ર પરિસરને ’સેફ’ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે. આ ઘટનાને પગલે વકીલ આલમમાં પણ રોષ જોવા મળ્યો છે. અદાલત જેવા પવિત્ર અને સુરક્ષિત સ્થળે આવી ધમકી મળવી તે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કરે છે. વકીલોએ માંગ કરી છે કે આવા તત્વોને શોધીને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે.
- Advertisement -
સાયબર ક્રાઈમની એન્ટ્રી: ઈ-મેઈલનું ‘ઓરિજિન’ શોધવા કવાયત
જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ માટે આ કેસ પડકારજનક બન્યો છે. પોલીસે તપાસ તેજ કરી છે કે, આ ઈ-મેઈલ કયા સર્વર કે આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે? શું આ મેઈલ મોકલવા માટે વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ધમકી આપનાર વ્યક્તિનો ઈરાદો શું હતો? શું કોઈ મહત્વના કેસની સુનાવણી અટકાવવા માટે આ તરકીબ અપનાવાઈ હતી? તપાસ હજુ ચાલુ છે અને પોલીસ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવશે.



