નિયમ હોવા છતાં માત્ર 10 ટકા ડૉક્ટરો જ લખે છે જેનરિક દવા: 3.5 લાખની વસ્તી સામે માત્ર 12 જેનરિક સ્ટોર હોવાથી દર્દીઓ લૂંટાઈ રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
- Advertisement -
સુરેન્દ્રનગર શહેરમાં તબીબો દ્વારા જેનરિક દવાઓ લખવામાં આવે છે કે નહીં તે અંગે કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 100થી વધુ દર્દીઓના પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરતા જાણવા મળ્યું કે માત્ર 10 ટકા ડોક્ટરો જ જેનરિક દવા લખે છે. બાકીના તબીબો હજુ પણ મોંઘી અને બ્રાન્ડેડ દવાઓ લખી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. કાયદો હોવા છતાં અમલવારીમાં ઉદાસીનતા કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ, દરેક ડોક્ટરે કેપિટલ અક્ષરોમાં જેનરિક દવા લખવી ફરજિયાત છે. બ્રાન્ડેડ દવા માત્ર અતિ ગંભીર કે જીવનરક્ષક કિસ્સામાં જ લખી શકાય છે. તેમ છતાં, સુરેન્દ્રનગરની 110થી વધુ હોસ્પિટલોમાં આ નિયમનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. શહેરમાં માત્ર 12 જેનરિક સ્ટોર હોવાથી દર્દીઓએ મજબૂરીમાં 10 થી 20 ગણી મોંઘી બ્રાન્ડેડ દવાઓ ખરીદવી પડે છે.
કિંમતમાં જંગી તફાવત, ગુણવત્તામાં સમાનતા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જેનરિક અને બ્રાન્ડેડ દવાના ક્ધટેન્ટ અને કાચા માલમાં કોઈ તફાવત હોતો નથી. બ્રાન્ડેડ દવાઓ રિસર્ચ અને જાહેરાતના ખર્ચને કારણે મોંઘી હોય છે, જ્યારે જેનરિક દવાની કિંમત સરકાર નક્કી કરે છે. ડો. જતિન કણઝારિયાના જણાવ્યા મુજબ, બંનેની અસરકારકતા અને સલામતી સમાન હોવા છતાં, ડોક્ટરોની અનિચ્છાને કારણે દર્દીઓને સસ્તી દવાનો લાભ મળી રહ્યો નથી.



