રાજકોટની તેજી રસ્તાઓ પર દેખાઈ
રાજકોટ મનપાની આવકમાં મોટો વધારો: વાહનવેરા પેટે ₹21.71 કરોડની વસૂલાત
- Advertisement -
વાહનોના વેચાણમાં ₹99.56 કરોડનો ઉછાળો; વર્ષના અંત સુધીમાં ₹30 કરોડનો લક્ષ્યાંક પાર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના અર્થતંત્રમાં અને લોકોની જીવનશૈલીમાં આવેલો ઉછાળો ઓટોમોબાઈલ સેક્ટરના આંકડાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજકોટ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 2025ના છેલ્લા 9 મહિનામાં શહેરના રસ્તાઓ પર 42,000 નવા વાહનો દોડતા થયા છે. વાહનોની કુલ કિંમત રૂ. 1,063 કરોડથી વધુ છે, જેના કારણે રાજકોટ મહાપાલિકાને આજીવન વાહન વેરા પેટે રૂ. 21.71 કરોડની માતબર રકમ વાહન ખરીદનારાઓએ મનપાની તિજોરીમાં ઠાલવી દીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોના વેચાણ અને ટેક્સની આવક બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.
મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના આંકડાઓ મુજબ, 2024ના એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં રૂ. 963,49,37,325ની કિંમતના 37,928 વાહનો વેચાતા મનપાને રૂ. 20,06,19,621ની આવક થઈ હતી. તેની સરખામણીએ 2025ના સમાન સમયગાળામાં રૂ. 1,063,05,99,861ની કિંમતના 42,000 વાહનો વેચાયા છે. આમ, 2024 કરતા 2025માં 4,072 વાહનો વધુ ખરીદાયા છે અને મનપાની આવકમાં પણ રૂ. 1,65,05,740નો વધારો થયો છે. વાહનોના વેચાણમાં આશરે રૂ. 99.56 કરોડનો ઉછાળો જોવા મળ્યો છે, જે ઓટોમોબાઈલ માર્કેટમાં રહેલી તેજી દર્શાવે છે.
મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે વાહનવેરાની આવકનો કુલ લક્ષ્યાંક રૂ. 30 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે ડિસેમ્બર મહિના સુધીમાં જ રૂ. 21.71 કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ત્રણ મહિના બાકી છે ત્યારે માત્ર રૂ. 8.29 કરોડની આવક બાકી છે. જે રીતે હાલમાં વાહનોની નોંધણી થઈ રહી છે તે જોતા તો મનપા આ લક્ષ્યાંક ખૂબ જ સરળતાથી પાર કરી લેશે તેમ મનાઈ રહ્યું છે. ઓટોમોબાઈલ નિષ્ણાંતોના મતે, વર્ષ 2026માં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે અને વેચાણના જૂના રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે.
- Advertisement -
પેટ્રોલની સાથે હવે ઈગૠ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ ગ્રાહકોનો વધતો ઝુકાવ
રાજકોટમાં વાહનોના વેચાણના આંકડા પર નજર કરીએ તો કુલ 42,000 વાહનોમાંથી સૌથી વધુ 32,539 ટુ-વ્હીલરનું વેચાણ નોંધાયું છે. મધ્યમ અને યુવા વર્ગમાં ટુ-વ્હીલરની માંગ સતત અવિરત રહી છે. ફોર-વ્હીલર સેગમેન્ટમાં પણ ગ્રાહકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કુલ 6,978 કાર વેચાઈ છે, જેમાં 2,614 પેટ્રોલ અને 2,533 ઈગૠ સંચાલિત કારનો સમાવેશ થાય છે. વધતી જતી મોંઘવારી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે લોકો હવે પેટ્રોલના બદલે ઈગૠ અને ઇલેક્ટ્રિક વાહનોને વધુ પસંદ કરી રહ્યા હોય તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે.
વાહનની કિંમતના આધારે ટેક્સના સ્લેબ નક્કી કરાયા; મોંઘા વાહનો પર 3% સુધીનો વેરો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26થી વાહનવેરો વસૂલવા માટેની નવી ’એડવોલેરમ’ (કિંમત આધારિત) પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. આ નવી કર પદ્ધતિ હેઠળ હવે વાહનની કિંમતના આધારે ટેક્સ નક્કી થાય છે. જેમાં ₹99,999 સુધીના વાહનો પર 1.5%, ₹1 લાખથી ₹8 લાખ સુધીના વાહનો પર 2.5% અને ₹8 લાખથી વધુ કિંમતના પ્રીમિયમ વાહનો પર 3% લેખે ટેક્સ વસૂલવામાં આવે છે. પૂર્વેની પદ્ધતિ કરતા આ નવી કિંમત આધારિત પદ્ધતિને કારણે ખાસ કરીને મોંઘા વાહનોની ખરીદી પર મહાનગરપાલિકાની ટેક્સની આવકમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.



