ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ સાયબર ક્રાઈમ અટકાવવા માટે હાથ ધરાયેલી ડ્રાઈવમાં જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સાયબર ગુનેગારો દ્વારા નિર્દોષ નાગરિકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને આચરવામાં આવતા છેતરપિંડીના નેટવર્કને પોલીસે તોડી પાડ્યું છે.
સી-ડિવિઝન પોલીસની તપાસમાં જૂનાગઢના અશ્વિન સુખાનંદી નામના ઇસમના ઇન્ડસલેન્ડ બેંકના ખાતામાં સાયબર ફ્રોડના કુલ રૂ. 1,29,66,103 જમા થયા હોવાનું ખુલ્યું હતું. આ ઇસમ વિરુદ્ધ ગઈઈછઙ પોર્ટલ પર અલગ-અલગ 51 ફરિયાદો નોંધાયેલી હતી. પકડાયેલા આરોપી અશ્વિનની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે અમદાવાદના હિરેન અને જય ઉર્ફે રેમોને પોતાનું એટીએમ અને એકાઉન્ટ વાપરવા આપ્યું હતું. જૂનાગઢ પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે ટીમ મોકલી ટેકનિકલ સોર્સની મદદથી વધુ બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ શખ્સો 1.2 ટકા કમિશનની લાલચે લોકોના બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડ માટે વાપરતા હતા. પકડાયેલા આરોપીઓમાં અશ્વિન તુલસીદાસ સુખાનંદી રહે. મધુરમ, જૂનાગઢ હિરેન રામભાઈ વાઝા રહે. નારણપુરા, અમદાવાદ, જય ઉર્ફે રેમો પ્રકાશભાઈ ઠક્કર રહે. ગોતા, અમદાવાદ સી.ડિવિઝન પીઆઇ એ.બી. ગોહિલ અને તેમની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે.



