સરકારી અધિકારીઓની મોબાઈલ દ્વારા રેકી કરતા હોવાનું ખુલ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન સામે કાર્યવાહી કરનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પર ધમકી તથા હુમલાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવો જ એક ગંભીર બનાવ ચોટીલા ખાતે સામે આવ્યો છે. જેમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને તેમની ટીમની રેકી કરી ધમકી આપવા તથા ઝપાઝપી કરી ફરાર થઈ ગયેલા ખનિજ માફિયાઓ સામે ચોટીલા પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ મેમકિયા તથા તેમની સાથે મામલતદાર કચેરીની ટીમ ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન અટકાવવા માટેની કામગીરી માટે નીકળ્યા હતા. તે દરમિયાન મામલતદાર કચેરીની સામે આવેલી હોટલમાં કેટલાક શખ્સોની શંકાસ્પદ હિલચાલ નજરે પડતા નાયબ મામલતદારને શંકા ગઈ હતી. શંકાના આધારે આ શખ્સોની તપાસ કરતા તેમના મોબાઈલ ફોન ચકાસવામાં આવ્યા, જેમાં ગેરકાયદેસર ખનિજ ખનન સામે કાર્યવાહી કરતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રેકી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિવિધ 39 વોટ્સએપ ગ્રુપ મારફતે અધિકારીઓની હલચાલ, વાહનો અને કામગીરી અંગે માહિતી એકત્રિત કરી શેર કરવામાં આવતી હતી.
આ બાબતે નાયબ મામલતદાર દ્વારા શખ્સોને પૂછપરછ કરવામાં આવતા તેઓ ઉશ્ર્કેરાઈ ગયા હતા. આ દરમિયાન એક શખ્સે નાયબ મામલતદારને ગર્ભિત ધમકી આપી તેમની સાથે ઝપાઝપી કરી અને પોતાની ખાનગી કાર લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ નાયબ મામલતદારે તાત્કાલિક પ્રાંત અધિકારીને જાણ કરી હતી. બાદમાં આરોપીઓની ઓળખ કરી નાયબ મામલતદાર નારાયણભાઈ મેમકિયા દ્વારા ચોટીલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં લાલભાઈ ઉર્ફે પ્રતાપભાઈ બોરીચા (રહે. થાનગઢ), પરેશભાઈ ભાંગરા (રહે. મોરસલ), ગોવિંદભાઈ લાખાભાઈ ધાંધળ, હરેશભાઈ બબાભાઈ ગોહિલ, ચિરાગ રતાભાઈ ધાંધળ અને અન્ય 39 વોટ્સએપ ગ્રુપના એડમિન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



