તાલાલા પંથકના સીદી બાદશાહ યુવાનોએ આ મહોત્સવમાં ત્રીજા સ્થાને ઉત્તીર્ણ થઇ બ્રોન્ઝ મેડલ,ટ્રોફી અને 50 હજાર રોકડ પુરસ્કાર મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
- Advertisement -
આદિવાસી ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ખેલો ઈન્ડિયા પેસા મહોત્સવ-2025 આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાયો હતો.ઓલ ઇન્ડિયા નેશનલ કક્ષાના આ મહોત્સવમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી અનેક ટીમોએ ભાગ લીધો હતો.દેશની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તાલાલા તાલુકાનાં વિવિધ ગામના સિદી બાદશાહ આદિવાસી સમાજના કુલ 12 પ્રતિભાશાળી ખેલાડીઓની ટીમે ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું.
ઓલ ઇન્ડિયા નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં તાલાલા નું ગૌરવ એવા સિદી બાદશાહ આદીવાસી યુવાનોએ છત્તિસગઢ,તેલંગણા સામે વિજેતા થયા હતા અને ઓડીશા રાજ્ય સામેની સ્પર્ધા ટાઈ થઈ હતી ત્યારબાદ મધ્યપ્રદેશ સામે સેમી ફાઇનલ સ્પર્ધામાં હાર થતાં આ સ્પર્ધામાં તાલાલા તાલુકાનાં સિદી આદિવાસી યુવાનોની ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી હતી.તાલાલા તાલુકાની વિજેતા ટીમને આંધ્રપ્રદેશ નાં સ્પોર્ટ્સ સેક્રેટરીના વરદહસ્તે બ્રોન્ઝ મેડલ,ટ્રોફી તથા 50 હજાર રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાલાલા પંથકમાં વસવાટ કરતો સિદી બાદશાહ આદિવાસી સમાજ શારીરિક રીતે શક્તિશાળી અને ખડતલ છે.આ સમાજના યુવાનો કબડ્ડી,દોડ,કુસ્તી સહિતની રમતોમાં અવિરત આગળ વધી રહ્યા છે.કોચ હસનભાઈ મજગુલ નાં માર્ગદર્શન હેઠળ યુવાનોએ ઓલ ઈન્ડિયા નેશનલ કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરી તાલાલા પંથકનું તથા સમાજનું ગૌરવ વધારવા બદલ માધુપુર ગીર-જાંબુર ગીર ગામના સરપંચ વિમલભાઈ વાડોદરિયા તથા સમાજના અગ્રણી અબ્દુલભાઈ મજગુલ તથા ગ્રામજનોએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.



