ચોટીલા પ્રાંત અધિકારીના નેતૃત્વમાં દરોડો, રૂપિયા 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત
25 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સાયલા તાલુકાના ચોરવીરા ગામે સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કોલસા ખનન સામે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રાંત અધિકારી તથા તેમની ટીમ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગેરકાયદેસર રીતે કોલસા ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન ખાણ સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર, ચાર જનરેટર મશીનો, આઠ ચરખી, આઠ બકેટ, ચાર મોટરસાયકલ તેમજ મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર દરોડા દરમિયાન કુલ રૂ. 25.10 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ જપ્ત સામગ્રી કાયદેસરની કાર્યવાહી માટે કબ્જામાં લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર કોલસા ખનનની ખાણમાં કામ કરી રહેલા આશરે 25 જેટલા શ્રમિકો જોખમી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા હતા. દરોડા દરમિયાન તાત્કાલિક કાર્યવાહી કરી તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સરકારી જમીન પર પરવાનગી વિના કોલસા ખનન કરવામાં આવી રહ્યું હતું, જે ગંભીર ગુનો બને છે. આ મામલે સંડોવાયેલા આરોપીઓ સામે ખાણ અને ખનિજ અધિનિયમ તેમજ અન્ય લાગુ કાયદાઓ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. જનહિત અને પર્યાવરણના સંરક્ષણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.



