ગેરકાયદે પથ્થરનું ખનન બંધ કરવા ઉગ્ર માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
- Advertisement -
ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર પથ્થર, સફેદ માટી અને રેતીનું બેફામ ખનન તંત્રના નાક નીચે ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ખનીજ સંપત્તિથી ભરપૂર આ વિસ્તારમાં ખનિજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર સબ સલામત હોવાની પોકળ વાતો કરી રહ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા, વાવડી, રાજગઢ, હરીપર અને સત્તાપર સહિતના ગામોમાં મોટા પાયે પથ્થરનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ગ્રામજનો દ્વારા આ બાબતે અનેક વખત તંત્ર સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર જાણે-અજાણે ખનિજ માફિયાઓને પરોક્ષ રીતે પરિસ્થિતિ અનુકૂળ બનાવી આપી રહ્યું છે. વધુમાં, જ્યારે ગ્રામજનો ગેરકાયદેસર ખનન અંગે અવાજ ઉઠાવે છે ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા રજૂઆતકર્તાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે અને દાદાગીરી કરવામાં આવી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ગેરકાયદેસર ખનનથી
પર્યાવરણને ભારે નુકસાન પહોંચતા ઉપરાંત ગ્રામજનોના જીવન અને ખેતી પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આથી વિસ્તારના ગ્રામજનોએ તાત્કાલિક અસરથી ગેરકાયદેસર પથ્થર ખનન બંધ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.



