ઍર શો 2 કલાક મોડો શરૂ થયો, લોકો ટ્રાફિકમાં 3 કલાક ફસાયા
ઍર શો માણનારી જનતા દોઢ કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ
- Advertisement -
અટલ સરોવર પાસે આજે યોજાયેલા એર શોને લોકોએ મનભરીને માણ્યો હતો. પરંતુ એર શો પુરો થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા ન હોવાથી લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. શાસકોને ખબર જ હતી કે, નાગરિકોનો મહેરામણ ઉમટશે છતાં કોઈ નક્કર વ્યવસ્થા ન કરવામાં આવી હતી. ફરી એક વખત મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. કટારિયા ચોકડીએ રસ્તો બંધ હોવાથી અને રૈયા ગામ પાસે સિંગલ પટ્ટીનો રોડ હોવાથી આ કારણોસર પણ ટ્રાફિક જામની સમસ્યા બેવડાઈ હતી. સ્માર્ટ સીટી તરફ જવાના તમામ રસ્તાઓ ટ્રાફિકના કારણે ચોક થઇ ગયા હતા. આ ટ્રાફકિ જામમાં એક તરફ એમ્બ્યુલન્સ ફસાઇ હતી તો બીજી તરફ રૈયાધાર તરફ જવાના રસ્તે શબવાહિની પણ અટવાઇ હતી.
સવારથી જ ટેલિકોમ સેવા ખોરવાઇ
લોકો એર શો નિહાળવા માટે સવારે 8 વાગ્યાથી જ અટલ સરોવર વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. લોકોને એર શો જોવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં 17થી 20 જેટલી મોટી સ્ક્રીન મૂકી હતી. આનંદ અને ચિચિયારીઓ સાથે લોકોએ હવાઈ કરતબને માણ્યા હતા. મહત્વનું છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો જોવા ભારે ભીડ ઉમટી હતી. જેના કારણે પાર્કિંગ ભરાઈ ગયા હતા અને મોબાઈલનાં નેટવર્ક, ઈન્ટરનેટ ઠપ્પ થઈ ગયું હતું. લોકો ભારે પરેશાનીનો સામનો કરી બહાર નીકળ્યા હતા. આમ સવારે 9 વાગ્યાથી ટેલિકોમ સેવા ખોરવાઇ જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
- Advertisement -
વ્યવસ્થાનો અભાવ, ઉઘાડી લૂંટ અને ડબલ ભાડાથી પ્રજા પરેશાન
અટલ સરોવર ખાતે આયોજિત સૂર્યકિરણ એર શોમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આવડા મોટા કાર્યક્રમમાં વ્યવસ્થાના નામે કોઇ પ્રકારનું આયોજન જ નહતું. જેમાં 10વાળી પાણીની બોટલના ભાવ રૂ.20 લઇ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાનું ત્યાં જનાર લોકોએ જણાવ્યુ હતું. આ ઉપરાંત નાસ્તા માટે કોઇ જ વ્યવસ્થા ન હોવાથી નાના બાળકો ભૂખ્યા રહ્યા હતા. ત્યારે સ્થિતિ એવી સર્જાઇ હતી કે લોકો એર શો જોયા બાદ ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ કલાક જેટલો સમય ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા. આમ સવારે 8 વાગ્યે એર શો જોવા નીકળનાર લોકો ઘરે ત્રણ વાગ્યે પહોંચ્યા હતા. આમ રવિવારની રજાના દિવસે લોકોને 1 કલાકના એર શો જોવા માટે અંદાજે 7 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઉ5રાંત રીક્ષાચાલકોએ પણ ડબલ ભાડા કર્યા હોવાનું અનેક લોકોએ જણાવ્યુ હતુ.



